- પીપાવાવ રેલવે ટ્રેક પર અવાર-નવાર સિંહ રેલવે ટ્રેક પર આવી જાય છે
- વન વિભાગ દ્વારા ટ્રેકર પણ તૈનાત કરાયા છે
- ગત વર્ષે ટ્રેનના પાયલોટ્સ દ્વારા 159 સિંહને બચાવાયા હતા
અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. રાજુલા અને પીપાવાવના દરિયા કિનારા સુધી વનરાજોની અવર-જવર રહેતી હોય છે. ત્યારે પીપાવાવ બ્રોડગેઝ રેલવે ટ્રેક પર પસાર થતી ગુડઝ ટ્રેનોના પાયલોટને પણ આ વિસ્તારમાં ટ્રેનની અડફેટે સિંહ ન આવે તે માટે તકેદારી રાખવી પડતી હોય છે. તાજેતરમાં રાજુલા નજીક રેલવે ટ્રેક પરથી પસાર થઇ રહેલા એક સિંહને ટ્રેનના પાયલટ દ્વારા ઇમરજન્સી બ્રેક મારી અને બચાવી લેવામાં આવ્યો હતો.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યુ હતુ કે, ગઈકાલે મંગળવારના રોજ ટ્રેનના લોકોપાયલટ મકવાણા આશિષભાઈ (મુખ્ય મથક-બોટાદ) અને સહાયક લોકો પાયલટ સતીશકુમાર ગુર્જર (મુખ્ય મથક-બોટાદ)ને રાજુલા નજીક એક સિંહ રેલવે ટ્રેક ઓળંગતો જોવા મળ્યો હતો આથી ગુડ્ઝ ટ્રેનને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી હતી. અને સિંહને બચાવી લેવાયો હતો.
અમરેલી જિલ્લામાં પીપાવાવ રેલવે ટ્રેક પર અવાર-નવાર સિંહ આવી જતા હોવાથી વન વિભાગ દ્વારા પણ ટ્રેકરો મુકવામાં આવ્યા છે. અને ટ્રેકરો ટ્રેનના પાયલોટ સાથે સંપર્કમાં રહેતા હોય છે. રાજુલા જંકશનથી લોકો પાઇલટ્સને સિંહોની હિલચાલ અંગે ચેતવણીના આદેશો આપવામાં આવ્યા હતા. લોકો પાઇલટે ટ્રેન મેનેજર (ગાર્ડ) ને જાણ કરી હતી. ફોરેસ્ટ ટ્રેકર દ્વારા સિંહને ટ્રેક પરથી ખદેડીને ટ્રેક ક્લિયર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, જ્યારે બધી સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી, ત્યારે ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકરે લોકો પાઇલટને ત્યાંથી જવા કહ્યું હતુ. ત્યારબાદ લોકો પાઇલટ દ્વારા ટ્રેનને કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી. ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલટ્સ નિર્ધારિત ગતિનું પાલન અને ખાસ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.
ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાઇલટ્સની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી, ગયા નાણાકીય વર્ષ 2024-25માં કુલ 159 સિંહોને બચાવી લેવામાં આવ્યા છે. આ નાણાકીય વર્ષ 2025-26 માં અત્યાર સુધીમાં કુલ 6 સિંહોને બચાવી લેવાયા છે.