ઉત્તર ભારતમાં ધૂમ્મસ પહેલા જ અમદાવાદથી વારાણસી અને સુલતાનપુરની ટ્રેનો ડિસેમ્બરથી નહીં દોડે
અમદાવાદઃ દેશમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ધૂમ્મસ સાથે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારતમાં થતા ધુમ્મસને કારણે અનેક ટ્રેનો મોડી પડવા સાથે રેલવે કેટલીક ટ્રેનો રદ કરવી પડે છે. હજુ શિયાળો શરૂ પણ થયો નથી ત્યારે રેલવેએ ધુમ્મસને ધ્યાને રાખીને અમદાવાદથી વારાણસી અને સુલતાનપુર જતી બે ટ્રેનને ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી રદ કરી છે. જો ધુમ્મસ થાય તો અન્ય ટ્રેનોને પણ સમસ્યા સર્જાય તેમ છે પરંતુ જાણે બે જ ટ્રેનોને ધુમ્મસ નડશે તે રીતે રેલવેએ અમદાવાદની બે ટ્રેન રદ કરી છે.
પશ્વિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, શિયાળામાં ઉત્તર ભારત સહિત પર્વતીય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે અનેક રૂટ પર ટ્રેનોનું સંચાલન ખોરવાઈ જાય છે. ઘણીવાર ધુમ્મસને પગલે ટ્રેનો 5-6 કલાલ મોડી પડતી હોય છે. ટ્રેનોનું સંચાલન સરળતાથી થઈ શકે તે માટે રેલવેએ ઉત્તર ભારત તરફ જતી અનેક ટ્રેનો અત્યારથી જ ધુમ્મસવાળા વાતાવરણને ધ્યાને રાખીને રદ કરી છે. અમદાવાદ-સુલતાનપુર સાપ્તાહિક વિશેષ ટ્રેન 7 ડિસે.21થી 23 ફેબ્રુ.22 સુધી અને અમદાવાદ-વારાણસી સાપ્તાહિક વિશેષ ટ્રેન 2 ડિસેમ્બર 21થી 26 ફેબ્રુઆરી 22 સુધી રદ રહેશે. મધ્ય રેલવેના ભુસાવળ ડિવિઝનમાં બ્લોકના કારણે આજે બુધવારે અમદાવાદથી ઉપડનારી અમદાવાદ-નાગપુર સ્પે.ટ્રેન બદલાયેલા રૂટ પર દોડાવાશે. આ ટ્રેન અમદાવાદથી ભુસાવળ- ઈટારસી થઈ નાગપુર સુધી દોડશે. 28 ઓક્ટોબરે નાગપુરથી ઉપડી અમદાવાદ આવતી ટ્રેન નાગપુરથી બડનેરાના બદલે ઈટારસી, ભુસાવળ થઈ અમદાવાદ આવશે. દર વર્ષે ઉત્તર ભારતમાં ગાઢ ધૂમ્મસને લઈને ટ્રેન વ્યવહારને વિપરિત અસર થતી હોય છે.