Site icon Revoi.in

સુરતથી યુપી, બિહાર અને ઝારખંડ જતી ટ્રેનોમાં દિવાળી અને છઠ્ઠના તહેવારોને લીધે બુકિંગ ફુલ

Social Share

સુરતઃ દિવાળીના તહેવારોને દોઢ મહિના જેટલો સમય બાકી છે, તેમજ યુપી, બિહાર સહિત રાજ્યોમાં છઠ્ઠના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. તેથી શહેરમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા બિહાર, યુપી અને ઝારખંડ સહિતના રાજ્યોના લોકો દિવાળી અને છઠ્ઠના પર્વ મનાવવા માટે માદરે વતન જતા હોય છે. અને તેના માટે  યૂપી, બિહાર અને ઝારખંડ તમામ ટ્રેનોમાં મહિના પહેલા બુકિંગ ફુલ થઈ ગયું છે. આથી પશ્ચિમ રેલ્વેએ પ્રવાસીઓને રાહત આપવા માટે 15 જોડી ખાસ ટ્રેનોને ડિસેમ્બર સુધી લંબાવી હતી, જેથી અંદાજે 22 હજાર વધારાની બેઠકોની વ્યવસ્થા થઈ હતી, પરંતુ હવે સ્થિતિ એ છે કે આ ટ્રેનો પણ પેક થઈ ગઈ છે.

સુરતથી બિહાર, યુપી અને ઝારખંડ જતી તમામ ટ્રેનોમાં બુકિંગ ફુલ થઈ જતાં નવરાત્રીથી નો-વેકન્સી જેવી સ્થિતિ છે. ગઈ તા. 28 ઓગસ્ટથી ટ્રેનોનું બુકિંગ ખુલતાની સાથે જ બુક થઈ ગઈ છે. ઓક્ટોબરના દિવાળી સપ્તાહ અને છઠ પર ચાલતી બધી પ્રમુખ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ પણ નથી. દર વર્ષે સુરત, ઉધના, વલસાડ અને વડોદરાથી લાખો મુસાફરો યૂપી-બિહાર જાય છે. આ વખતે ઓગસ્ટની શરૂઆતમાં જ નિયમિત ટ્રેનો પેક થઈ ગઈ હતી. ઉધનાથી દોડતી જયનગર, પટના, ધનબાદ અને સુબેદારગંજ સ્પેશિયલ સાથે વલસાડ-દાણાપુર અને બાંદ્રા-ઝાંસી જેવી લાંબા અંતરની સ્પેશિયલ ટ્રેનોમાં જગ્યા નથી.

સૂત્રોના કહેવા મુજબ દિવાળી-છઠ પર ફ્લાઇટ ભાડું આસમાને પહોંચી રહ્યું છે. ખાનગી બસોના પણ ભાડાં વધી ગયાં છે. એટલે પ્રવાસીઓના ખિસ્સાં પર ભારે બોજ પડશે. પ્રવાસીઓની માગ છે કે, રેલ્વેએ હજુ સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરવી જોઈએ. જોકે રેલવે અધિકારીઓનું કહેવું છે કે આગામી 15 દિવસમાં વધુ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે.

Exit mobile version