છોટા ઉદેપુર, 1 માર્ચ 2026: Bhungaria fair, tribals flocked આદિવાસી સમાજમાં હોળી અને ધૂળેટીનું પર્વ ભારે હર્ષોલ્લાસથી ઊજવવામાં આવતું હોય છે. આદિવાસી સમાજનો સૌથી મોટો અને રંગબેરંગી તહેવાર એટલે હોળી. આદિવાસી વિસ્તારમાં અનેક સ્થળોએ લોકમેળાઓ યોજાતા હોય છે. જેમાં છોટા ઉદેપુરમાં યોજાતો ભુંગરિયાનો મેળો જાણીતો છે. હોળી પહેલા યોજાતા ભંગુરીયો મેળાથી લઈને ચુલના મેળા અને ત્યાર બાદ 15 દિવસ સુધી ચાલતા ગેરનો મેળો આદિવાસી સમાજમાં ઉત્સાહ અને પરંપરાનો અનોખો મેળાપ જોવા મળે છે. આજે રવિવારથી ભંગુરીયો મેળોમાં હજારોની સંખ્યામાં આદિવાસી યુવક-યુવતીઓ ઉમટી પડ્યા છે,
હોળી પૂર્વે હાટ બજારોમાં યોજાતા ભંગુરીયો મેળા આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે. ઢોલ-નગારાના તાલે યુવાનો અને વડીલો રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં ઉમંગભેર નાચતા જોવા મળ્યા હતા. હોળી માટેની ખરીદી સાથે સાથે આ મેળા સામાજિક મિલન અને આનંદનો અવસર પણ બની રહે છે. અલગ અલગ વિસ્તારોમાં રહેતા લોકો જ્યાં પણ રહેતા હોય તે ભંગુરીયો મેળો યોજાય ત્યાં ભેગા થતા હોય છે. આ મેળાને નિહાળવા માટે દેશભરમાંથી લોકો અહીં આવતા હોય છે. ભંગુરીયો મેળા બાદ હોળી પ્રગટાવી ચૂલના મેળા અને ત્યારબાદ ગેરના મેળા 15 દિવસ સુધી વિવિધ ગામોમાં ઉજવાય છે. આ દરમિયાન આદિવાસી સમાજ પોતાના લોકનૃત્ય, ગીતો અને અનોખી પરંપરાઓ દ્વારા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે. દરેક ગામમાં ઉત્સવમય માહોલ છવાઈ જાય છે.
છોટાઉદેપુર ખાતે આજે ભંગુરીયા મેળામાં સાંસદ જશુભાઈ રાઠવા ખાસ હાજર રહ્યા. તેઓ ભાજપના જિલ્લા પ્રમુખ અને કાર્યકરો સાથે ઢોલના તાલે નાચતા જોવા મળ્યા. આ રીતે ભંગુરીયો મેળા સાથે હોળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. અને આગામી દિવસોમાં ચુલ અને ગેરના મેળાઓ સાથે સમગ્ર વિસ્તાર ઉત્સવમય બનશે.

