
વિશેષ સત્ર પહેલા નવી સંસદ પર લહેરાવાશે તિરંગો, PM મોદી પણ રહેશે હાજર
દિલ્હી: સંસદના વિશેષ સત્ર ના એક દિવસ પહેલા નવા સંસદ ભવનનાં પ્રાંગણમાં ધ્વજ ફરકાવવામાં આવશે. 17 સપ્ટેમ્બરે રાજ્યસભાના અધ્યક્ષ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા નવી સંસદ ના પ્રાંગણમાં ત્રિરંગો ધ્વજ ફરકાવશે. આ દરમિયાન પીએમ મોદી પણ હાજર રહી શકે છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન 19 સપ્ટેમ્બરે જૂના સંસદ ભવનમાંથી નવા સંસદ ભવન ખાતે શિફ્ટ કરવાનો કાર્યક્રમ યોજાશે.
વિશ્વકર્મા પૂજા 17 સપ્ટેમ્બરે છે. ભગવાન વિશ્વકર્માને સૃષ્ટિના દેવતા તેમજ વિશ્વના પ્રથમ કારીગર, આર્કિટેક્ટ અને એન્જિનિયર માનવામાં આવે છે. આ દિવસે પીએમ નરેન્દ્ર મોદી નો જન્મદિવસ પણ છે. મોદી સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી છે. આ પહેલા 17 સપ્ટેમ્બરે નવી સંસદ પર તિરંગો ફરકાવવામાં આવશે.
સંસદ નું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ સત્રમાં એક દેશ, એક ચૂંટણી નું બિલ લાવી શકે છે. સંસદ ના વિશેષ સત્રને લઈને વિપક્ષ આક્રમક છે. હાલમાં જ સોનિયા ગાંધીએ એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે કોઈપણ ચર્ચા વિના વિશેષ સત્રની જાહેરાત કરવામાં આવી છે.
નવી સંસદમાં કર્મચારીઓ માટે ડ્રેસ કોડ જારી કરવામાં આવ્યો છે. ડ્રેસ કોડ હેઠળ, સચિવાલય ના કર્મચારીઓ ના બંધ ગળા ના સૂટને કિરમજી અથવા ઘેરા ગુલાબી નેહરુ જેકેટમાં બદલવામાં આવશે. તેમના શર્ટ ઘેરા ગુલાબી રંગના હશે જેમાં કમળનું ફૂલ હશે અને તેઓ ખાકી રંગનું પેન્ટ પહેરશે.