Site icon Revoi.in

આંધ્રપ્રદેશમાં કેરીઓથી ભરેલી ટ્રક પલટી ખાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત,  9 લોકોના મોત

Social Share

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના અન્નામૈયા જિલ્લામાં કેરીઓથી ભરેલી ટ્રક પલટી ગયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 11 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. મૃતકોમાં પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માત કડપા શહેરથી લગભગ 60 કિમી દૂર પુલમપેટા મંડળના રેડ્ડી ચેરુવુ કટ્ટામાં થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી ટ્રક કેરીઓથી ભરેલી હતી. લોકો કેરીઓની બોરીઓ ઉપર પણ બેઠા હતા. આ ટ્રકમાં 20 થી વધુ લોકો સવાર હતા. ટ્રક કેરીઓ અને લોકોને લઈને રાજમપેટથી રેલ્વે કોડુરુ જઈ રહી હતી.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો અને અધિકારીઓ પાસેથી અકસ્માતનું કારણ પૂછ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અનુસાર, અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે રાત્રે આ ઘટના બની ત્યારે પીડિતો રાજમપેટથી રેલ્વે કોડુરુ જઈ રહ્યા હતા.

મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું, ” ઘાયલોને યોગ્ય તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ખાતરી આપી હતી કે સરકાર મૃતકોના પરિવારોને સંપૂર્ણ સહાય પૂરી પાડશે. તેમણે અધિકારીઓને અકસ્માતમાં ઘાયલ લોકો માટે ગુણવત્તાયુક્ત તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો.”

ટ્રકમાં 30-40 ટન કેરી ભરેલી હતી, અને 21 દૈનિક વેતન મજૂરો પણ સવાર હતા. આ મજૂરો રાજમપેટાના ઇસુકાપલ્લી અને નજીકના ગામોમાં કેરી તોડવા ગયા હતા. બધા મજૂરો તિરુપતિ જિલ્લાના રેલ્વે કોડુરુ અને વેંકટગિરિ મંડળના હતા. ટ્રક પલટી જતાં કામદારો 30-40 ટન કેરી નીચે કચડાઈ ગયા હતા, જેમાં આઠ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય એક કામદાર, મુનિચંદ્ર (ઉ.વ. 38)નું રાજમપેટની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

Exit mobile version