Site icon Revoi.in

પાકિસ્તાન અંડરગ્રાઉન્ડ પરમાણુ પરીક્ષણ કરી રહ્યુ હોવાનો ટ્રમ્પનો દાવો

Social Share

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન ગુપ્ત રીતે (અંડરગ્રાઉન્ડ) પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે, સાથે જ રશિયા અને ચીન જેવા દેશો પણ પરમાણુ હથિયારોના પરીક્ષણો કરી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે આ પરીક્ષણો જમીન નીચે થતા હોવાથી ઝટકાઓ અનુભવી શકાય છે.

અમેરિકન ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, “રશિયા અને ચીન બંને પરમાણુ પરીક્ષણ કરે છે, પરંતુ તેઓ તેની ચર્ચા કરતા નથી. અમે એક ખુલ્લો સમાજ છીએ, એટલે અમારે તેના વિશે વાત કરવી જ પડે છે, નહીં તો મીડિયા તેની ચર્ચા કરશે. તેમના ત્યાં એવા પત્રકાર નથી, જે આવી બાબતો પર લખે.”

ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, “અમે પણ પરમાણુ પરીક્ષણ કરીશું, કારણ કે બીજા દેશો પણ કરી રહ્યા છે, ખાસ કરીને ઉત્તર કોરિયા સતત પરીક્ષણ કરી રહ્યું છે. પાકિસ્તાન પણ પરીક્ષણ કરી રહ્યું છે.” ટ્રમ્પના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે, કારણ કે તેમણે ખુલ્લેઆમ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને લઈને ગંભીર આરોપ લગાવ્યો છે.

જ્યારે ટ્રમ્પને રશિયા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા પોસાઇડન અંડરવોટર ડ્રોન અને પરમાણુ હથિયાર પરીક્ષણો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “તેઓ કેવી રીતે પરીક્ષણ કરે છે તે જોવાનું રહેશે. રશિયાએ ખુદ જાહેર કર્યું હતું કે તેઓ પરીક્ષણ કરશે. ઉત્તર કોરિયા સતત પરીક્ષણ કરી રહ્યું છે, અને અન્ય દેશો પણ કરી રહ્યા છે. માત્ર અમેરિકા જ એક એવો દેશ છે જે પરીક્ષણ કરતું નથી, અને હું એવો દેશ બનવા ઇચ્છતો નથી.”

ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા પાસે અન્ય કોઈપણ દેશ કરતાં વધુ પરમાણુ હથિયાર છે. “અમારા પાસે દુનિયાને 150 વખત નષ્ટ કરી શકવાના જેટલા પરમાણુ હથિયાર છે. રશિયા પાસે પણ ઘણાં છે અને ચીન પાસે પણ પૂરતા પ્રમાણમાં છે.”  ટ્રમ્પે તાજેતરમાં જ પરમાણુ હથિયાર પરીક્ષણો ફરી શરૂ કરવાની ઘોષણા કરી હતી, જે અમેરિકા અને અન્ય પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચે વધતા તણાવનું સંકેત છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, “પરમાણુ નિશસ્ત્રીકરણ એક મોટી બાબત છે, પરંતુ ત્રણ દાયકાથી વધુ સમય બાદ અમેરિકા માટે પરીક્ષણ ફરી શરૂ કરવું યોગ્ય છે. રશિયા અને ચીન બંને પરીક્ષણ કરી રહ્યા છે એવું લાગે છે.”