વડોદરા, 05 માર્ચ 2026: Two 10-foot crocodiles rescued on the road શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું ઘર ગણાય છે. નદીમાં આશરે 400થી વધુ મગરોનો વસવાટ છે. સામાન્ય રીતે ચોમાસામાં શહેરના રસ્તાઓ અને સોસાયટીઓમાં મગરો આવી ચડતા હોય છે. પણ હવે તો ગમેત્યારે રોડ પર મગરો જોવા મળી રહ્યા છે. ગઇકાલે મોડી રાત્રે શહેરમાં ઉર્મી બ્રિજ અને ગોકૂલ ડૂપ્લેક્સ નજીક બે મગરો જોવા મળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે વનવિભાગની ટીમે બંને મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.
શહેરના સમા-સાવલી રોડ પર આવેલા ઉર્મિ બ્રિજ પર મોડી રાત્રે 10 ફૂટનો મહાકાય મગર આવી જતા રસ્તા પર દોડધામ મચી ગઈ હતી. મગર મુખ્ય રોડ પર લટાર મારતો જોવા મળ્યો હતો. જેથી લોકોના ટોળેટોળા રોડ પર એકત્ર થઈ ગયા હતા. એક રાહદારીએ વનવિભાગને કોલ કરતા તુરંત જ વનવિભાગ અને જીવદયા પ્રેમીઓ દોડી ગયા હતા અને મગરને સહીસલામત રીતે રેસ્ક્યુ કરીને વનવિભાગમાં મોકલી આપ્યો હતો.
જ્યારે બીજા બનાવમાં શહેરના છેવાડે આવેલા જામ્બુવા બ્રિજ પાસે ગોકુલ ડુપ્લેક્સ પાસે 10 ફૂટનો મગર આવી ચડતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તુરંત જ વનવિભાગ અને જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. જેથી વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને મગરને રેસ્ક્યુ કર્યું હતું. અહીં જામ્બુવા નદી નજીક છે અને સોસાયટીની બાજુમાં આવેલા તળાવમાં પણ મગર આવી જાય છે, જેથી અવારનવાર સોસાયટી પાસે મગરો આવી જતા હતા, જોકે મગરનું રેસ્ક્યુ કરવામાં આવતા લોકોએ રાહત અનુભવી છે.
શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા વધતા જાય છે. વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.

