Site icon Revoi.in

અમરેલીમાં સિંહ પાછળ પડતા બે બળદો ગાડા સાથે ઊંડા કૂવામાં ખાબક્યા, એકનું મોત

Social Share

અમરેલી, 17 ફેબ્રુઆરી 2026:  જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ગમેત્યારે સિંહનો ભેટો થઈ જાય છે. જિલ્લાના ખાંભા તાલુકાના ઉમરિયા ગામમાં સિંહ પાછળ પડતા બે બળદો ગાડા સાથે કૂવામાં ખાબક્યા હોવાનો બનાવ બન્યો છે. આ દુર્ઘટનામાં પાંચ કલાકના રેસ્ક્યૂ બાદ એક બળદને બચાવી લેવાયો છે, જ્યારે બીજાનું મોત નિપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે,  ઉમરિયા ગામના ખેડૂત વાસુરભાઈ કામળિયા સાંજના સમયે વાડીએથી બળદગાડું જોડીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક રસ્તામાં સિંહનો ભેટો થઈ ગયો હતો. સિંહે બળદોનો શિકાર કરવા માટે તરાપ મારતા જ બળદો ભયભીત થઈ ગયા હતા. જીવ બચાવવા માટે બળદોએ દોડ મૂકી હતી અને કાબૂ ગુમાવતા ગાડા સહિત બાજુમાં આવેલા એક ઊંડા કૂવામાં ખાબક્યા હતા. ખેડૂત વાસુરભાઈએ સમયસૂચકતા વાપરી ગાડામાંથી કૂદી પડતા તેમનો આબાદ બચાવ થયો હતો.  બે બળદ કૂવામાં પડ્યાની જાણ થતા જ ગ્રામજનો અને ખેડૂતોના ટોળા ઉમટી પડ્યા હતા. કૂવો અત્યંત ઊંડો હોવાથી સ્થાનિક પ્રયાસો નિષ્ફળ રહેતા તાત્કાલિક ફાયર વિભાગ અને ક્રેનની મદદ લેવામાં આવી હતી. ક્રેન દ્વારા સાવચેતીપૂર્વક એક બળદને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. કૂવામાં પટકાવવાથી ગંભીર ઈજા અને પાણીના કારણે બીજા બળદનું મોત નિપજ્યું હતું. અંતે બળદગાડાને પણ ક્રેન વડે બહાર કાઢવામાં આવ્યું હતું.

Exit mobile version