Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં પત્રકારની હત્યા કેસમાં સંડોવાયેલા બે ગુનેગારોને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં

Social Share

લખનૌઃ સીતાપુરમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે ગુનેગારો માર્યા ગયા હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ, પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયી હત્યા કેસના બંને શૂટર્સને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. રાજુ ઉર્ફે રિઝવાન અને સંજય ઉર્ફે અકીલ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં છે. આ એન્કાઉન્ટર મોડી રાત્રે એસટીએફ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ સાથે થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીસાવા પોલીસ સ્ટેશન વિસ્તારના જલ્લાપુરમાં ગુનેગારો અને પોલીસ વચ્ચે મોડી રાત્રે એન્કાઉન્ટર થયું હતું. પત્રકાર રાઘવેન્દ્ર બાજપેયી હત્યા કેસમાં સંડોવાયેલા બંને શૂટર્સ સતત ફરાર હતા. પોલીસે બંને પર એક-એક લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. 8 માર્ચે સીતાપુરમાં પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, 8 માર્ચે બપોરે 2 વાગ્યે તેમને ફોન આવ્યો હતો અને તેઓ ઘરેથી નીકળી ગયા હતા. લગભગ એક કલાક પછી, તેમની હત્યાની ઘટના સામે આવી હતી.પોલીસે આ કેસમાં અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો હતો. જ્યારે સ્થાનિક પોલીસને તપાસમાં સફળતા ન મળી, ત્યારે કેસ STFને સોંપવામાં આવ્યો હતો.

તપાસમાં ખુલ્યું હતું કે, રાઘવેન્દ્ર વાજપેયી હત્યા કેસનો મુખ્ય કાવતરું કામદેવ મંદિરના પૂજારી વિકાસ રાઠોડ ઉર્ફે શિવાનંદ બાબા હતો. શિવાનંદ બાબા મંદિરમાં રહેતા કિશોરોનું જાતીય શોષણ કરતા હતા. પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયીને આ વાતની ખબર પડી ગઈ અને તે આ સમાચાર પર કામ કરી રહ્યા હતા. શિવાનંદને ડર હતો કે પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયી આ બાબત જાહેર કરશે. આનાથી તેમની પ્રતિષ્ઠા પણ બગડશે અને તેમને જેલમાં જવું પડશે. આ ડરને કારણે તેમણે રાઘવેન્દ્ર વાજપેયીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે શિવાનંદ બાબાએ રાઘવેન્દ્ર વાજપેયીની હત્યા કરવા માટે શાર્પ શૂટરોને 4 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.