ગુજરાતમાં બે દિવસીય શાળા પ્રવેશોત્સવનો રંગેચેગે પ્રારંભ, અંદાજે 12,70 લાખ બાળકોનું નામાંકન કરાશે
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી બે દિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની ગોલથરા પ્રાથમિક શાળાની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા.
સમગ્ર રાજ્યમાં તા.12 અને 13 ના દિવસો દરમિયાન યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવ અન્વયે ભૂપેન્દ્ર પટેલ આ ગોલથરા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં કોઇ જ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ સિવાય પહોંચી ગયા હતા. મુખ્યમંત્રીને શાળામાં અચાનક આવેલા જોઇને શિક્ષકો, બાળકો અને વાલીઓએ આનંદ સહ આશ્ચર્યની અનૂભુતિ કરી હતી.
મુખ્ય મંત્રીએ આ ગોલથરા પ્રાથમિક શાળામાં પ્રતિકરૂપે બે બાળકોને ધોરણ-1 અને બાલવાટિકામાં પ્રવેશ કરાવી શાળા પ્રવેશ કીટ અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અન્વયે આ વર્ષે ધો-1 માં અંદાજે 2.30 લાખ અને બાલવાટિકામાં 9.77 લાખ મળી અંદાજે 12.7 લાખ બાળકોનો શાળા પ્રવેશ કરાવાશે.
ગુજરાતમાં આ વર્ષે નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ-1માં 6 વર્ષની ઉંમર પૂર્ણ કરેલા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યારે 6 વર્ષ પૂર્ણ ન કર્યા હોય તેવા બાળકોને બાળ વાટિકામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળ વાટિકા તેમજ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જો કે સૌરાષ્ટ્ર-કચ્છમાં શાળા પ્રવેશોત્સવ વાવાઝોડાને કારણે યોજી શકાશે નહીં. કારણ કે દરિયાકાંઠા વિસ્તારોના જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તેમજ સરકારી તંત્ર પણ વાવાઝોડાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે કામે લાગેલું છે. એટલે વાવાઝોડાની પ્રવેશોત્સવના કાર્યક્રમને પણ અસર પડી છે.