Site icon Revoi.in

ખેરાળુ હાઈવે પર માડી રાત બાદ બે ડમ્પરો સામસામે અથડાતા બન્ને ચાલકોને ગંભીર ઈજા

Social Share

મહેસાણા,18 જાન્યઆરી 2026:  જિલ્લાના ખેરાળુ નજીક હાઈવે પર ગત મોડી રાતે બે ડમ્પરો વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને ડમ્પરોના ચાલકોને ગંભીર ઈજા થઈ હતી. બન્ને ડમ્પરો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને ડમ્પરોના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને 108 એમ્બ્યુલન્સમાં બન્ને ચાલકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ખેરાલુના રૂદ્રાક્ષ પેટ્રોલ પંપ નજીક ગત મોડી રાત્રે બે આઇવા ડમ્પર ધડાકાભેર એકબીજા સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને વાહનોના ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. રાત્રિના અઢી વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીઓના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને વાહનોને નુકસાન થયું છે.અકસ્માતની જાણ થતા જ ખેરાલુ 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108ના પાયલોટ જયંતિભાઇ પરમાર અને EMT નરસિંહજી ઠાકોરે તાત્કાલિક બંને ઈજાગ્રસ્ત ડ્રાઇવરોને પ્રાથમિક સારવાર આપી ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતાં.

 ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને ડ્રાઇવરોની હાલત જોતા તેઓને વધુ સારવાર માટે વડનગર મેડિકલ કોલેજ ખાતે રીફર કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી ઉમતા ગામના ચાલક શર્માજી ઠાકોરને વધુ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ખેરાલુ પોલીસની વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરાવી વાહનવ્યવહાર ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version