મહેસાણા : ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થતાં શુક્રવારે તંત્રએ ડેમના બે ગેટ ખોલીને પાણી છોડવાનું શરૂ કર્યું છે. હાલ ડેમમાંથી 6,672 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. માહિતી મુજબ, ધરોઈ ડેમમાં હાલમાં 2,088 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ કારણે રૂલ લેવલ જાળવવા માટે ડેમના 2 ગેટ 2.50 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં કુલ પાણીનો જથ્થો 84.76 ટકા છે. ડેમની હાલની સપાટી 617.97 ફૂટ નોંધાઈ છે, જ્યારે ડેમની કુલ સપાટી 622 ફૂટ છે.
તંત્રે સ્પષ્ટ કર્યું છે કે, ઉપરવાસમાં વધુ વરસાદથી પાણીની આવક વધશે તો ગેટની સંખ્યા અને ઊંચાઈ વધારીને વધુ પાણી છોડવામાં આવશે. નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ સાબરમતી નદીના પટમાં ન જવાની જાહેર અપીલ પણ કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ વરસાદ યથાવત રહેશે તો પાણી છોડવાની પ્રક્રિયા વધુ તેજ બની શકે છે.