અમદાવાદ,30 ડિસેમ્બર 2025: Two groups clashed in the village of Kalana in Sanand જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે જુની અદાવતને લીધે બે જુથો બાખડી પડ્યા હતા. શરૂઆતમાં બે જૂથો વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસકરૂપ ધારણ કર્યું હતું. સોમવાર રાત્રિના પથ્થરમારાની ઘટના બાદ મામલો શાંત પડ્યો હતો. પરંતુ આજે મંગળવારે સવારે ફરી બંને જૂથો આમને સામને આવી જતા પથ્થરમારો શરૂ થતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પથ્થરમારામાં અનેક કારના કાચ તૂટી ગયા હતા અને રસ્તાઓ પર ઈંટોના ટુકડાઓનો ખડકલો જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા એસપી અને ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો દોડી ગયો હતો. અને પોલીસે ત્વરિત પગલાં લઈને 42 લોકોને ઝડપી લીધા હતા.
આ બનાવની વિગત એવી છે કે, સાણંદ તાલુકાના કલાણા ગામે જુની અદાવતને લીધે બે જુથો વચ્ચે બોલાચાલી બાદ હિંસકરૂપ ધારણ કર્યું હતું. સામસામે ભારે પથ્થરમારો થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. સોમવાર રાત્રિથી શરૂ થયેલો આ વિવાદ મંગળવારે સવારે વધુ વકરતા પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી બની છે. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પથ્થરમારાની ઘટના બાદ પોલીસની કડક કાર્યવાહીના ડરથી કલાણા ગામના મોટાભાગના લોકોના ઘર ખાલી જોવા મળ્યા હતા. ગામના ઘરોમાં ‘ખંભાતી તાળા’ લટકતા અને આખું ગામ ખાલીખમ જોવા મળ્યું હતું. પોલીસે ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. ડ્રોનમાં જે લોકો પોલીસથી બચવા માટે ગામની સીમમાં અને ખેતરોમાં છુપાઈને સૂતા હતા તેમને પકડી પાડ્યા હતા.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ હિંસક ઘટનામાં સંડોવાયેલા 42 જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા છે. જે ઘરો અને ધાબા પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યાં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પોલીસે ગામમાં લાગેલા સીસીટીવી કેમેરાના DVR પણ કબજે કર્યા છે. હાલ ગામમાં 80થી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત સાથે ખડેપગે છે જેથી સ્થિતિ વધુ ન બગડે. ગામના પ્રવેશદ્વાર પર બેરિકેટિંગ લગાવવામાં આવ્યા છે, જ્યાંથી અંદર આવનાર લોકોનું ચેકિંગ કરવામાં આવશે.
સાણંદના ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ જૂથ અથડામણની ઘટના સોમવારે તળાવના પાળે બની હતી. આ ઝઘડાની શરૂઆત એક જૂથના બે છોકરાઓ અને અન્ય જૂથના એક છોકરા વચ્ચે એકબીજાની સામે જોવાની બાબતે થયેલી બોલાચાલીથી થઈ હતી. ત્યારબાદ ગામમાં બંને પક્ષોના ટોળાં સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો, જેના પગલે પોલીસે બંને પક્ષોની ફરિયાદ દાખલ કરી છે. આ અથડામણમાં કોઈને ગંભીર ઈજા કે ફ્રેક્ચર થયું નથી, માત્ર સામાન્ય મૂઢમાર અને લોહીની ફૂટ જેવી નાની ઈજાઓ થઈ છે. હાલમાં ગામમાં જીઆઈડીસી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સવારે પોલીસે કોમ્બિંગ કરીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

