Site icon Revoi.in

દહેગામના બહિયલમાં મોડી રાતે બે જુથો બાખડી પડ્યા, ટોળાંએ દૂકાનમાં આગ ચાંપી

Social Share

ગાંધીનગરઃ જિલ્લાના દેહગામ તાલુકાના બહિયલ ગામમાં મોડીરાત્રે નજીવી બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે તંગદિલી સર્જાઈ હતી. હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ અને આગચંપી કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. બે કોમ વચ્ચેની અથડામણ સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા બાબતે થઈ હતી. સ્થિતિ વધુ ન બગડે તે માટે હાલ ગામમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને પેટ્રોલીંગ હાથ ધરાયું છે. પોલીસે 60 શખસોને રાઉન્ડઅપ કર્યા છે તથા SRPની બે કંપની ઉપરાંત 200થી વધુ પોલીસનો કાફલો તહેનાત કરાયો છે. હાલ ગામમાં કોમ્બિંગ ચાલુ છે અને સ્થિતિ કાબૂમાં છે.

દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે ગરબા ચાલી રહ્યા હતા તો બીજી તરફ બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલો ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ટોળા દ્વારા ગરબામાં પથ્થરમારો કરાતા નાસભાગ મચી હતી. તો બીજી તરફ ટોળા દ્વારા ગામની એક દુકાનના શટર તોડી આગચાંપી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવા જેવી નજીવી બાબતે થયેલી બબાલ એટલી ઉગ્ર બની કે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. ટોળાએ પોલીસ વાહન પર પણ પથ્થરમારો કર્યો હતો તેથી પોલીસના બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

આ ઘટના બાદ સમગ્ર ગામમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તેવા પગલાં લેવાઈ રહ્યા છે. આ હિંસક ઘટનામાં જાનહાનિની કોઈ ઘટના હાલના તબક્કે સામે આવી નથી, પરંતુ વાતાવરણ તંગ છે. પોલીસે આ મામલે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે. આ અથડામણમાં કેટલાક લોકોને ઇજા પણ થઈ છે.સ્થાનિકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે બે કોમના જૂથો આમને સામને આવી ગયા હતા. બાદમાં પથ્થરમારો થયો હતો અને ચાર જેટલી દુકાનોમાં આગચંપી તેમજ વાહનોમાં તોડફોડ થઈ હતી. જેના પગલે રાત્રે પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. રાત્રે પોલીસે ચાર વાગ્યા સુધી કોમ્બિંગ હાથ ધર્યું હતું. અને અત્યાર સુધીમાં 60 જેટલા શખ્સોને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે. મોડી રાત્રે સ્થિતિને કાબૂમાં લેવા પાંચેક જેટલા ટિયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. હાલમાં એસઆરપીની બે કંપની ઉપરાંત 200થી વધુ પોલીસનો કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે અને હાલમાં સ્થિતિ કાબૂમાં છે.

Exit mobile version