- બે જુથ વચ્ચે સામસામો પથ્થરમારો થતાં અનેક લોકો ઘવાયા
- સામાન્ય બોલાચાલી બાદ બે જુથ આમને સામને આવી ગયા
- પોલીસે દોડી જઈને મામલો થોળે પાડ્યો
વડોદરાઃ શહેરના બાપોદ વિસ્તારમાં મહિલાની છેડતી બાદ એક જ કોમના બે જુથો આમને-સામને આવી ગયા હતા. અને સામસામે પથ્થમારો થતાં સ્થિતિ તંગ બની ગઈ હતી. આ બનાવની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને બન્ને જુથોને શાંત પાડીને ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં વિજયનગર માળી મોહલ્લામાં અસામાજિક તત્ત્વો દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. જેના કારણે બોલાચાલી થઇ જતાં મામલો બીચક્યો હતો અને મારામારી સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન લોકોએ એકબીજા પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધો હતો. જેમાં મહિલાઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના બાપોદ વિસ્તારમાં વિજયનગર માળી મહોલ્લામાં કેટલાક અસામાજિક તત્ત્વો મહિલાઓની છેડતી કરી હતી. મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાના આક્ષેપ બાદ એક જ કોમના બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા બન્ને જૂથો દ્વારા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ સહિત કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. બનાવના પગલે ઇજાગ્રસ્ત અવસ્થામાં મહિલા અને નાગરિકો બાપોદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.