પાટણ,15 માર્ચ 2026: Two groups of the same caste clashed in Vaid village જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી નજીવી બાબતે પોલીસની હાજરીમાં એક જ જ્ઞાતિના બે જૂથો બાખડી પડ્યા હતા. અગાઉના પ્રતિબંધ અને વિવાદોને ધ્યાને રાખી પોલીસ પહેરા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો પરંતુ અંગત ખાર રાખીને બે જૂથો સામસામે આવી જતાં મામલો ગરમાયો હતો. જોત જોતાંમાં હિંસક અથડામણ થતા અંદાજે 25 જેટલા લોકો ઘવાયા હતા.
આ બનાવની વિગત વી હતી કે, પાટણના સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવા બાબતે લાંબા સમય સમાજ અને સ્થાનિક સ્તરે વિવાદ ઊભો થયો હતો. સમાજ દ્વારા વરઘોડા પર પ્રતિબંધ હતો તેમ છતાં એક પરિવારે લગ્ન પ્રસંગે પોલીસ બંદોબસ્ત માંગી વરઘોડો કાઢ્યો હતો. પોલીસની હાજરી હતી એટલા માટે પહેલા તો માહોલ શાંત હતો, વરઘોડો પણ સંપન્ન થવાના આરે હતો. પરંતુ માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરવાની તૈયારીમાં હતા ત્યારે કેટલાક શખસોએ હુમલો કરી દીધો હતો. પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ હિચકારો હુમલો કરવામાં આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. બનાવ અંગે ગામના એક આગેવાને કહ્યું હતું કે, જ્યારે પરિવારના 15-20 સભ્યો એકલા હતા ત્યારે બીજા જૂથના લોકોનું ટોળું હાથમાં ધારિયા, લાકડીઓ અને પથ્થરો લઈને ચડી આવ્યું હતું. કોઈને કઈ પણ સમજાય તે પહેલા જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેમાં મહિલા, બાળકો અને વડીલો પણ ઘાયલ થયા છે. સામે પક્ષે પણ વળતો પ્રહાર કરતાં અંદાજે 25 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. હાલ ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો વાયડ ગામમાં ઉતરી ગયો હતો.
વાયડ ગામે હાલ શાંતિનો માહોલ છે, સ્થિતિ પોલીસે કાબૂમાં લઈ લીધી છે. સમગ્ર મામલે પોલીસે રાયોટિંગ અને હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હુમલાખોરોની ઓળખ કરવા સ્થાનિકો અને પીડિતોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પોલીસે ગામમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની અપીલ જાળવી રાખવા તેમજ આરોપીને ઝડપી જેલમાં ઘકેલી દેવામાં આવશે તેવી તાકીદ કરી છે.

