Site icon Revoi.in

ચોટિલામાં હાઈવે પર સરકારી જમીન પર બનેલી બે હોટલો જમીનદોસ્ત કરાઈ

Social Share

સુરેન્દ્રનગર, 28 ડિસેમ્બર 2025: Pressures on two hotels on Chotila Highway removed જિલ્લામાં સરકારી જમીન પચાવી પાડવા સામે તંત્ર એલર્ટ બન્યુ છે. ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે પર આવેલી બે હોટલો દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્ર અને પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં અંદાજે 10 એકર જેટલી કિંમતી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. તંત્રની તવાઈથી દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જિલ્લાના ચોટિલામાં નેશનલ હાઈવે પર આવેલી ‘ન્યુ નાગરાજ હોટલ’ અને ‘જય વડવાળા હોટલ’ કોઈ પણ કાયદેસરના આધાર-પુરાવા વગર સરકારી જમીન પર ઊભી કરવામાં આવી હતી. આ હોટલો માત્ર મુસાફરો માટે જ નહીં, પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના અડ્ડા સમાન બની ગઈ હોવાની ફરિયાદા ઊઠી હતી. જય વડવાળા હોટલ’માં હોટલની આડમાં પરપ્રાંતીય દારૂનો મોટો જથ્થો મંગાવી તેનું કટિંગ કરવામાં આવતું હતું. અગાઉની રેડ દરમિયાન અહીંથી મોટા પ્રમાણમાં પ્રોહીબિશનનો મુદ્દામાલ ઝડપાયો હતો. જ્યારે ‘ન્યુ નાગરાજ હોટલ’ના પરિસરમાં ગેરકાયદેસર રીતે કેમિકલ અને ડીઝલની ચોરીનું નેટવર્ક ઝડપાયું હતું.

રાજકોટ વિભાગના પોલીસ મહાનિર્દેશક અશોક કુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસની મદદથી તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણો હટાવવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં મોલડી ગામ પાસેની ‘ન્યુ નાગરાજ હોટલ’ દ્વારા નેશનલ હાઈવે પર અંદાજે 05 એકર સરકારી જમીન પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતુ. તેવી જ રીતે, નાની મોલડી ગામ પાસેની ‘જય વડવાળા હોટલ’ દ્વારા દબાણ કરાયેલી અંદાજે 05 એકર સરકારી જમીન પણ ખુલ્લી કરવામાં આવી હતી.

પોલીસની આ કડક કાર્યવાહીથી હાઈવે પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે . જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કે સરકારી જમીન પર દબાણ કરી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર કોઈપણ ઈસમને છોડવામાં આવશે નહીં.

Exit mobile version