1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શંખેશ્વરના રૂપેણ નદીના પુલની દિવાલ સાથે કાર અથડાતાં એક જ પરિવારનાં બેનાં મોત, 10ને ઈજા

શંખેશ્વરના રૂપેણ નદીના પુલની દિવાલ સાથે કાર અથડાતાં એક જ પરિવારનાં બેનાં મોત, 10ને ઈજા

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ગત મધરાતે પૂરફાટ ઝડપે જતી કાર રૂપેણ નદીની દિવાલ સાથે અથડાતા એર જ પરિવારના બેના મોત નિપજ્યા હતા. સૌરાષ્ટ્રની યાત્રા પૂર્ણ કરીને ભાભર પરત ફરી રહેલા માળી પરિવારને અકસ્માત નડ્યો હતો. રાત્રિ દરમિયાન શંખેશ્વરની રૂપેણ નદીના પુલની દિવાલ સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારનાં બે સભ્યનાં મોત નીપજ્યા હતાં, જ્યારે 10 લોકોને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  ભાભરમાં રહેતો માળી પરિવાર સૌરાષ્ટ્રની યાત્રા પર ગયો હતો. ગત મોડી રાત્રે પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો. રાત્રિના 2 વાગ્યાની આસપાસ કાર શંખેશ્વરની રૂપેણ નદીના પુલ પરથી પસાર થઇ રહી હતી એ સમયે ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પુલની દિવાલ સાથે અથડાઈ હતી. દિવાલ સાથે અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માતને પગલે સ્થાનિક લોકોનાં ટોળાં ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોએ 108ની ટીમ અને પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક જ પરિવારના બે લોકોનાં મોતથી માળી પરિવારમાં ગમગમીનીનો માહોલ છવાયો હતો. અરજણભાઈ રામજીભાઈ માળી  અને ધુળીબેન શામજી માળીના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code