ભાવનગર, 17 મે 2026: Biker dies after being hit by car ભાવનગર-મહુવા હાઇવે પર આવેલા લાખણકા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક સફેદ કલરની હ્યુન્ડાઈ વર્ના કારના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા 40 વર્ષીય બાઈક ચાલક ભરત બેબાભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, ભાવનગરના ઘોઘાના મફતનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ભરત બેબાભાઈ સોલંકી (ઉં.વ.40) વાલુકડ ગામે સોલાર પેનલ ફિટિંગનું કામ પતાવીને સાંજના સમયે તેમના કોન્ટ્રાક્ટર શંકરભાઈની મોટરસાયકલ જીજે-04-એફબી-4319 લઈને આવી રહ્યા હતા. ત્યારે બુધેલ ગામ નજીક આવેલી લાખણકા ચોકડી પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા.
ત્યારે ભાવનગર તરફથી પૂર ઝડપે આવી રહેલી એક સફેદ રંગની વર્ના કારે જીજે-04-ઇએ-8008 મોટરસાયકલને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ભરતભાઈ રોડ પર ફંગોળાયા હતા તેમને માથાના ભાગે, જમણી આંખ ઉપર કપાળમાં તેમજ ડાબા હાથ અને ડાબા પગે ગંભીર ફ્રેક્ચર જેવી જીવલેણ ઈજાઓ થઈ હતી. માથામાંથી અતિશય લોહી વહી જવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અકસ્માતની જાણ થતાં જ મૃતકના મોટાભાઈ મુકેશભાઈ સોલંકી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માતના આ બનાવને લીધે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ મૃતદેહને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે વરતેજ સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યા મૃતકના ભાઈ મુકેશભાઈની ફરિયાદના આધારે પોલીસે વર્ના કાર GJ-04-EA-8008 ના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(File photo)


