રાજકોટ, 17 મે 2026: 30 air coolers installed for patients at Rajkot Civil Hospital સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને લીધે જનજીવન પ્રભાવિત બન્યુ છે. ત્યારે હોસ્પિટલમાં અસહ્ય ગરમીને કારણે દર્દીઓની હાલત દયનીય બનતી હોય છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે 30 એર કૂલરો મુકવામાં આવતા દર્દીઓને ગરમીમાં મોટી રાહત મળી છે.
રાજકોટમાં કાળઝાળ ગરમીને લીધે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા ગંભીર દર્દીઓની હાલત અત્યંત દયનીય અને ચિંતાજનક બની ગઈ હતી. જેને લઈને રોગી કલ્યાણ સમિતિનાં સભ્ય રાજાભાઈએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જેથી સિવિલ હોસ્પિટલનાં જુદા-જુદા વોર્ડમાં દર્દીઓની સુવિધા માટે 30થી વધુ એર કુલર મુકવામાં આવતા દર્દીઓને અને તેના સંબંધીઓને રાહત થઈ છે.
રાજકોટમાં અસહ્ય ગરમીને કારણે સિવિલ હોસ્પિટલમાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે છતની ઉપર લાગેલા પંખાઓ પણ ગરમ હવા જ ફેંકી રહ્યા હતા, જેના કારણે કેટલાક દર્દીઓને મજબૂરીવશ પોતાના ઘરેથી ખાનગી ટેબલ પંખા લાવવાની ફરજ પડી હતી. જ્યારે બીજી તરફ કેટલાક વોર્ડમાં દર્દીઓના સગા વ્હાલાઓ લાચાર બનીને કાગળના ટુકડા કે પ્લાસ્ટિકના પૂંઠાથી પોતાના દર્દીઓને હવા નાખતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ વિકટ પરિસ્થિતિની ગંભીરતાને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવા માટે રોગી કલ્યાણ સમિતિના સક્રિય સભ્ય રાજાભાઈ ચાવડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે સિવિલ હોસ્પિટલના દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈને તેમની તકલીફો જાણી હતી. ત્યારબાદ હોસ્પિટલ પ્રશાસનના મુખ્ય વહીવટી વડા અને તબીબી અધિક્ષક સમક્ષ આ અમાનવીય પરિસ્થિતિ બાબતે તાકીદે રૂબરૂ મળીને ઉગ્ર અને લેખિત રજૂઆત કરી હતી. તેમજ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆતો કરવામાં આવી હતી.


