Site icon Revoi.in

અમદાવાદના નારણપુરા ફાટક નજીક મોબાઈલ ફોનમાં વાતો કરતા બેના ટ્રેનની અડફેટે મોત

Social Share

અમદાવાદ, 04 માર્ચ 2026Two killed in train accident near Naranpura શહેરના નારણપુરા વિસ્તારમાં આદર્શ નગર પોલીસ ચોકી પાસે આવેલા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે. રેલવે ટ્રેક પર મોબાઈલ ફોન પર વાતો કરતા વોકીંગ કરી રહ્યા હતા ત્યારે ટ્રેન આવી જતા બન્ને ટ્રેનની અડફેટે આવતા મોત નિપજ્યા હતા. ટ્રેનના પાયલોટે વ્હીસલ મારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ મોબાઈલમાં વ્યસ્તતાને લીધે વ્હીસલ્સ સંભાળાઈ નહોતી આમ મોબાઈલ ફોન પર વાત કરવાની બેદરકારી જાનલેવા સાબિત થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, શહેરના  નારણપુરાના આદર્શ નગર પોલીસ ચોકી પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે બે વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. મૃતકો પૈકી એકની ઓળખ 47 વર્ષીય સત્યજિત શ્રીમાળી તરીકે થઈ છે. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે સત્યજિતનો મોબાઈલ ફોન ચાલુ હતો અને તેઓ કોઈની સાથે વાતચીતમાં મશગૂલ હતા. ફોન પર વાત કરતી વખતે ટ્રેનનો અવાજ ન સંભળાતા અથવા ધ્યાન ભટકતા તેઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા અને સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં સત્યજિતની સાથે અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે. રેલવે ટ્રેક ઓળંગતી વખતે થયેલી આ ગંભીર ભૂલને કારણે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Exit mobile version