Site icon Revoi.in

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ધોલેરા નજીક કારે બાઈકને ટક્કર મારતા બેના મોત

Social Share

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ-ભાવનગર હાઈવે પર ધોલેરાના આંબલી ગામ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. ધોલેરા નજીક હાઈવે પર વહેલી સવારે કાર અને બાઇક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં બે બાઇક સવારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.  જ્યારે કારમાં સવાર એક મહિલાને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ હતી, જેના કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર આંબલી ગામ નજીક ભાવનગર તરફથી આવી રહેલી એક કારે સામેથી આવી રહેલી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક પર સવાર બંને વ્યક્તિઓ હવામાં ફંગોળાઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બીજી તરફ, અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર એક મહિલાને સામાન્ય ઇજાઓ થઈ હતી.આ અકસ્માતની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનારા ભગવાનભાઈ શંકરભાઈ સોલંકી અને રમેશભાઈ જેરામભાઈ પ્રજાપતિ બંને યુવકો ધોળકા તાલુકાના સરગવાળા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ પીપળી 108 એમ્બ્યુલન્સ અને ધોલેરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version