ભાવનગર તા. 25 ડિસેમ્બર 2025: two killed as car hits bike વલ્લભીપુર-ચમારડી સ્ટેટ હાઈવે પર મહેન્દ્રપુરમ પાસે પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે આધેડ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પીએમ અર્થે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ભાવનગરના વલ્લભીપુર-ચમારડી સ્ટેટ હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી I20 કાર નંબર GJ 04- CJ06239 એ બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બન્ને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. અને ઘટનાસ્થળે બન્નેના મોત નિપજ્યા હતા. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વલ્લભીપુર અને ચમારડી ગામ પાસે પસાર થઈ રહેલા બાઈકને એક કાર ચાલકે અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બંને આધેડ વ્યક્તિઓ ફંગોળાયા હતા અને ગંભીર ઇજાઓ થવાને કારણે બન્નેના સ્થળ પર મોત નિપજ્યા હતા. પોલીસ તપાસમાં અકસ્માતનો ભોગ બનનાર બંને મૃતકોની ઓળખ પ્રેમજીભાઈ જેરામભાઈ મુંજાણી (રહે. ચમારડી ગામ) અને કાંતિભાઈ કુંવરજીભાઈ જસાણી (રહે. ચમારડી ગામ) તરીકે થઇ છે. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પીએમ અર્થે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. પીએમની વિધિ પૂર્ણ થયા બાદ મૃતદેહોને તેમના પરિજનોને સોંપવામાં આવ્યા હતા. પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

