હાલોલ, 15 જાન્યુઆરી 2026: પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક તરવડા ગામ પાસે હાઈવે પર આજે ઈકોકારે ત્રણ રાહદારીને ટક્કર મારીને કારચાલક કાર સાથે નાસી ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનામાં બે રાહદારીઓના મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. આ બનાવમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને નાસી ગયેલા કારચાલકની શોધખેળ આદરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, હાલોલના તરવાડા ગામ નજીક હાઈવે પર ગમીરપુરા ગામના ત્રણ રાહદારીઓ જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ઈકો વાનના ચાલકે ત્રણ રાહદારીઓને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે ત્રીજા રાહદારીને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ફરાર થઈ ગયેલા ઈકો વાન ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ગમીરપુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કારણે એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. દાવડા ગામ પાસેથી પસાર થઈ રહેલા બાઇક સવાર યુવાનના ગળા અને મોઢાના ભાગે ધારદાર દોરી ફસાઈ હતી, જેના કારણે તેની આંખને ગંભીર ઇજા પહોંચી. યુવાનને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

