- નવસારી અને અમદાવાદમાં 12 યુવકોને સરકારી નોકરીની લાલચ આપી ફસાવ્યા,
- સુરત પોલીસે આરોપી ભુપેન્દ્ર શર્મા અને બ્રિજેશ પટેલની ધરપકડ કરી,
- નકલી વેબસાઈટ મારફતે યુવાનો પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી લાખો રૂપિયા પડાવ્યા
સુરતઃ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે. ત્યારે આવા બેરોજગાર યુવાનોને નોકરીની લાલચ આપીને ઠગવાના બનાવો પણ વધી રહ્યા છે. પોસ્ટ ઓફિસ વિભાગમાં ઉપરી અધિકારી સાથે સારું સેટિંગ છે કહી નકલી વેબસાઈટ મારફતે લોકો પાસેથી ઓનલાઈન ફોર્મ ભરાવી લાખો રૂપિયા ઉસેટી લેનાર ગેંગના મુખ્ય બે સાગરીતોને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે નિવૃત ક્લાર્ક અને ઊગત સહકારી મંડળીના પૂર્વ કર્મચારીએ 3 યુવકોને પોસ્ટ ઓફિસમાં નોકરીની લાલચ આપી 17 લાખ પડાવ્યા હતા. સુરતની અઠવાલાઇન્સ પોલીસે નિર્ભય ગજ્જરની ફરિયાદના આધારે ભુપેન્દ્ર શર્મા(નિલગગન એપાર્ટ, સગરામપુરા) અને બ્રિજેશ પટેલ(નવસારી)સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, પાલ ગામ જૈન દેરાસર નજીક લુહાર મહોલ્લામાં રહેતા નિર્ભય પ્રફુલ ગજ્જરનો નવેમ્બર 2024માં પોતાના સંબંધી ધર્મેશ ગજ્જરના ઘરે માતાજીના મંદિરે દર્શન કરવા આવતા ભુપેન્દ્ર શર્મા સાથે પરિચય થયો હતો. ભુપેન્દ્રએ પોસ્ટ વિભાગમાં મારી ઓળખાણ છે અને મારી ભલામણથી સારી નોકરી મળી જશે પરંતુ રૂ. ૫ લાખ આપવા પડશે. નિર્ભયને તું પસંદ કરે તે પોસ્ટ ઓફિસમાં નોકરી મળશે એવું કહેતા ભાટપોર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તરની નોકરી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની સાથે ટુકડે-ટુકડે રૂ. 3.50 લાખ આપ્યા હતા. પંદર દિવસમાં ઓર્ડર ભાટપોર પોસ્ટ ઓફિસમાંથી મેળવી લેવાનું કહ્યા બાદ ઓનલાઈન ટેસ્ટ બાકી છે એમ કહી એક લીંક મોકલાવી હતી. જેમાં લોગઇન કરવાનું પરંતુ ટેસ્ટ મારા ઓળખીતા સાહેબ આપશે બધુ સેટીંગ થઈ ગયું છે એમ કહેતા નિર્ભયે લીક ઓપન કરતા જુદા-જુદા મેસેજ આવતા હતા. જેની જાણ કરતા ભુપેન્દ્રએ ટેકનિકલ ખામી છે એટલે ઓર્ડર અપલોડ થતા નથી એમ કહ્યું હતું. જેથી દોડતા થયેલા નિર્ભયે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે ડાર્ક વેબસાઇટ ઉપર પોસ્ટ વિભાગના લોગોનો અનિધકૃત ઉપયોગ કરી વેબસાઈટ બનાવી છે. જો કે ત્યાર બાદ પણ ભુપેન્દ્રએ વ્હોટ્સએપ ઉપર ફોર્મ મોકલાવી બાયોડેટા મંગાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ તાલુક પંચાયતની ચૂંટણી ચાલે છે એટલે ઓર્ડેર લેટ થશે એમ કહી વાયદા કરતા નિર્ભયે રૂપિયા પરત આપવાનું કહેતા રૂ. 25 હજાર પરત આપ્યા હતા અને મારે નોકરી જોઇતી નથી એવું સાદા કાગળ ઉપર લખાણ કરાવ્યા બાદ તારા પૈસા બ્રિજેશભાઈને આપ્યા છે એમ કહી તેનો નંબર આપ્યો હતો. પરંતુ તે નંબર બંધ હતો અને નિર્ભયે બાકી રૂપિયાની ઉઘરાણી કરવાની સાથે તપાસ કરી તો મીત રાજેશ સોલંકીને પણ નોકરી અપાવના બહાને રૂ. 7.50 લાખ અને ધ્રુવ સોલંકી પાસેથી રૂ. 6.50 લાખ પડાવ્યા હતા.
આમ આ બંને ઠગ બાજુ દ્વારા 20 થી વધુ લોકો પાસેથી પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી અપાવવાના બહાને 44 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. જે બનાવવામાં અઠવા લાયન્સ પોલીસે ભુપેન્દ્ર અને બ્રિજેશ નામના બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ટેસ્ટ આપવા માટે ભુપેન્દ્ર શર્માએ જે વેબસાઇટ મોકલાવી હતી તે પોસ્ટ વિભાગના લોગોનો અનિધકૃત ઉપયોગ કરી ડાર્ક વેબ થકી વેબસાઈટ બનાવી હતી. જયારે પોસ્ટ વિભાગના નામે જે મેસેજ કર્યા હતા તે નવસારીના ઉગત વિભાગ સહકારી મંડળી લિમીટેડના સર્વર અને આઈ.પી એડ્રેસનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યા હતા. હાલ તો આ બનાવમાં એક પછી એક ભોગ બનેલા અઠવા લાઇન્સ પોલીસમાં ખાતે પહોંચી રહ્યા છે ત્યારે બીજી તરફ પોલીસે સમગ્ર બનાવવામાં વધુ તપાસ કરી છે

