Site icon Revoi.in

ઇટલીમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગો વિજેતા

Social Share

ગાંધીનગરઃ ઇટલીના તુરીનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. મહેસાણાના આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે તુરીનમાં ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને રાજ્ય તેમજ દેશનું નામ રોશન કર્યું છે. ફ્લોરબૉલ એ હોકી જેવી એક ઇન્ડોર ગેમ છે, જે હળવા પ્લાસ્ટિક બૉલ અને વિશિષ્ટ કાર્બન ફાઈબર સ્ટિક સાથે રમવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 8થી 15 માર્ચ 2025 દરમિયાન તુરીન, ઇટલી ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી ભારતના 30 એથ્લિટ્સે જુદી-જુદી રમતમાં ભાગ લીધો હતો, જે પૈકી આશાબેન ઠાકોર અને પિન્કલબેન ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્પેશિયલ ઓલિમ્પિક્સના સંદર્ભમાં ‘સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત-ગુજરાત’ એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા માન્યતા પ્રાપ્ત નોડલ સંસ્થા છે. વર્ષ 2010થી સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા દિવ્યાંગ કેટેગરી માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરે છે. તેમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે ક્વોલિફાઇડ થાય છે અને વિવિધ દેશોમાં દર 2 વર્ષે યોજાતી વર્લ્ડ ગેમ્સ માટે તેમની પસંદગી કરવામાં આવે છે. આશાબેન અને પીન્કલબેનના આંતરરાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બનવા પાછળ પણ ખેલ મહાકુંભે મહત્વની ભૂમિકા ભજવી છે. આ બંને ખેલાડીઓ 2010થી ગુજરાત સરકાર દ્વારા યોજાતા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લે છે અને વિજેતા બને છે.

રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ કરી હતી ખેલ મહાકુંભની શરૂઆત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં વર્ષ 2010માં યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે, શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનું નિર્માણ થાય તે ઉદ્દેશથી ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે ખેલ મહાકુંભમાં ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં ખેલ મહાકુંભ માત્ર ખેલ પ્રતિભાશોધ માટે નહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં રમતના વિકાસનો આધારસ્તંભ બની ગયો છે. ગુજરાતમાં વર્ષ 2010માં યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે 16.50 લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે વર્ષ 2024-25માં ખેલ મહાકુંભ 3.0માં વધીને રેકોર્ડ બ્રેક 71,30,834 સુધી પહોચ્યું છે.

Exit mobile version