અમદાવાદ,13 જાન્યુઆરી 2026: શહેરના કાંકરિયા લેક માત્ર શહેરીજનો જ નહીં પણ બહારગામથી અમદાવાદની મુલાકાતે આવતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. બાળકો પણ પ્રવાસીની મોજ માણી શકે તે માટે લેકફ્રન્ટ પરિસરમાં અટલ એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી બે ટોય ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિડ્સ સિટી અને બાલવાટીકા પાસે પણ આ ટોય ટ્રેન માટે નવા બે સ્ટેશન બનાવવામાં આવશે. જેથી બંને જગ્યાએથી લોકો ટ્રેનમાં બેસી કાંકરિયાની મજા માણી શકશે. આગામી ત્રણ મહિનામાં નવી બે ટોય ટ્રેન શરૂ કરી દેવાશે.
શહેરના કાંકરિયા લેક પરના પરિસરમાં બાળકો માટે નવી બે ટોય ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, કાંકરિયા પરિસરમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે. ખાસ કરીને કાંકરીયામાં શરૂ કરવામાં આવેલી ટોય ટ્રેનની મજા નાના બાળકોથી લઇ મોટા લોકો લઈ શકે તે માટે નવી બે ટોય ટ્રેન માટે મંજૂરી આપી છે. બે ટોય ટ્રેન તૈયાર થઇને આગામી બેથી ત્રણ મહિનામાં કાંકરીયા ખાતે આવી પહોંચશે. જે બાદ નાગરીકોને વધુ આધુનિક અને સુરક્ષીત ટોય ટ્રેનની સફર માણી શકશે. કાંકરીયા આવતા સહેલાણીઓને વધુ એક નજરાણું મળશે .
એએમસી દ્વારા રૂ. 3.54 કરોડના ખર્ચે ટોય ટ્રેન ખરીદવામાં આવી રહી છે. આ નવી ટોય ટ્રેન બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપીને ઓર્ડર આપી દીધો છે. જે આગામી 3 મહિનામાં તૈયાર થઇને આવે તેવી શક્યતા છે. ત્યારે આ ટોય ટ્રેન ઉનાળાના વેકેશન પહેલા જ શરૂ થઇ જશે. જેથી કાંકરીયામાં ફરવા આવતા સહેલાણીઓને વધુ એક નજરાણું મળશે. યુકે ટેકનોલોજીથી સજ્જ એન્જિન તૈયાર કરાશે આ નવી ટોય ટ્રેનનો લુક તો હાલની ટ્રેન જેવો જ રાખવામાં આવ્યો છે. બંને ટ્રેનના એન્જિન વધુ મજબુત, ક્ષમતાપુર્ણ અને ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલતા હશે. હાલ સાદુ એન્જિન છે તેને બદલે આ યુકે ટેકનોલોજીથી સજ્જ એન્જિન તૈયાર કરાશે. ટ્રેનના તમામ ઓપન કોચ રહશે. તે સિવાય આ ટ્રેનની 5 વર્ષની ગેરંટી વોરંટી રહેશે.

