Site icon Revoi.in

માલપુર નજીક હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બે પદયાત્રીના મોત, એક ગંભીર

Social Share

મોડાસાઃ  અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જીતપુર નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. દાહોદથી અંબાજી તરફ જતા પદયાત્રીઓના સંઘને અજાણ્યા વાહને અડફેટે લેતા બે પદયાત્રીઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃત્યુ પામનાર બંને પદયાત્રીની ઓળખ દાહોદના વતની 42 વર્ષીય સુરેશ વાસના ડામોર અને 45 વર્ષીય દિનેશ રાઠોડ સીસોદીયા તરીકે થઈ છે. જ્યારે 41 વર્ષીય સંજય વલ્લભ નીંનમાને ગંભીર ઈજાઓ થઈ છે. આ બનાવમાં પોલીસે અજાણ્યા વહાનચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે,  દાહોદના વતની કેટલાક પદયાત્રીઓનો સંઘ અંબાજી દર્શને જઈ રહ્યો હતો. ત્યારે લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર કોઈ અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીઓને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ પદયાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બે પદયાત્રીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક માલપુર સીએસસી (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે ટ્રસ્ટે યાત્રાળુઓ માટે રૂપિયા 10 કરોડનો વીમો લીધો છે. જે ગત વર્ષના વીમા કવરેજ કરતાં ત્રણ ગણો વધુ છે. આ વીમા અંતર્ગત કોઈ પણ શ્રદ્ધાળુનો માર્ગ અકસ્માત થાય અથવા દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમને આર્થિક સહાય મળી રહેશે.