- આરોપીઓ પાસેથી 34.43 ગ્રામ હેરોઈન જપ્ત કરાયું
- પોલીસે માદક દ્રવ્યો સામે અભિયાન તેજ બનાવ્યું
અમદાવાદઃ ગુજરાતના નશાના કાળા કારોબારને નાથવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ ઠેક-ઠેર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન કચ્છના ગાંધીધામમાંથી હેરોઈન સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં છે. આરોપીઓ પાસેથી 17 લાખથી વધુની કિંમતનું હેરોઈન ઝડપી લેવામાં આવ્યું છે. આ બંને શખ્સો પંજાબથી હેરોઈન વેચવા માટે ગાંધીધામ આવ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના ગાંધીધામમાં 34.43 ગ્રામ હેરોઈન ઝડપાયું છે. ખાનગી હોટેલમાં રોકાયેલા બે શખ્સોને 17.21 લાખના હેરોઈન સાથે પકડી લેવાયા હતાં. પોલીસે આરોપી ગુરુદેવ જટ અને ઇકબાલ લઘડ નામના પરપ્રાંતિય શખ્સોની ધરપકડ કરી હતી. સમગ્ર કેસમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને તેમની પૂછપરછ આરંભી હતી. આ શખ્સો અહીં કોને હેરોઈન આપવા આવ્યાં હતા તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
કચ્છના ભુજમાં બે દિવસ પહેલા એમડી ડ્રગ્સ સાથે એક મહિલા ઝડપાઈ હતી. 2.5 એમડી ડ્રગ્સ સાથે ભુજ એસઓજી પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. મહિલા વિરૂદ્ધ NDPS એકટ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છ જિલ્લામાં વધી રહેલી માદક દ્વવ્યોની હેરાફેરી પોલીસ માટે પડકાર બની રહી છે. અવારનવાર જિલ્લામાંથી માદક દ્વવ્યોનો જથ્થો પકડાતો રહે છે.