અમેરિકા સ્થિત ન્યૂયોર્કના લા ગાર્ડિયા એરપોર્ટ પર બે વિમાનો ટેક્સીવે પર એકબીજા સાથે અથડાયા હતા. બંને વિમાનો ડેલ્ટા એરલાઇન્સની સહાયક કંપની એન્ડેવર એર દ્વારા સંચાલિત હતા. આ ઘટનામાં એક મુસાફર ઇજાગ્રસ્ત થયો છે. બનાવને પગલે બંને વિમાનોમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી શટલ બસ દ્વારા ટર્મિનલ સુધી લઈ જવામાં આવ્યા. ન્યૂયોર્ક ટાઈમ્સે એરપોર્ટ પ્રશાસનના અધિકારીઓના હવાલાથી માહિતી આપી કે એક વિમાન લેન્ડિંગ બાદ ગેટ તરફ જઈ રહ્યું હતું ત્યારે રાત્રે 9:58 વાગ્યે બીજું વિમાન, જે ટેકઓફ માટે તૈયાર થઈ રહ્યું હતું, તે સમયે આ દૂર્ઘટના સર્જાઈ હતી.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયો અને તસવીરોમાં જોવા મળ્યું કે એક વિમાનનું પાંખીયુ સંપૂર્ણપણે તૂટી ગયું છે. ઇજાગ્રસ્ત મુસાફરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બંને વિમાનો બોમ્બાર્ડિયર CRJ-900 મોડલના હતા. ડેલ્ટા એરલાઇન્સના નિવેદન મુજબ, ધીમા વેગે થયેલી આ ટક્કર એન્ડેવર એર દ્વારા સંચાલિત બે ફ્લાઇટ વચ્ચે થઈ હતી. ફ્લાઇટ 5047 નોર્થ કેરોલિનાના શાર્લેટથી આવી રહી હતી જ્યારે ફ્લાઇટ 5155 વર્જિનિયાના રોનોક માટે જવા તૈયાર હતી. પ્રારંભિક માહિતી મુજબ ફ્લાઇટ 5155નું એક પાંખીયુ ફ્લાઇટ 5047ના બોડી સાથે અથડાયું હતું. એક ફ્લાઇટ એટેન્ડન્ટને નાની ઇજા થઈ હતી, જેને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
CBS ન્યૂઝ અનુસાર, ફ્લાઇટ 5155માં કુલ 32 લોકો (28 મુસાફર અને 4 ક્રૂ મેમ્બર) હતા, જ્યારે ફ્લાઇટ 5047માં 61 લોકો (57 મુસાફર અને 4 ક્રૂ મેમ્બર) સવાર હતા. ફ્લાઇટ 5047માં સવાર એક પત્રકારએ ઘટનાનો વીડિયો બનાવી સોશ્યલ મીડિયા પર શેર કર્યો જેમાં પાઇલટ ઈન્ટરકોમ પર મુસાફરોને કહેતા સંભળાયા – “લાગે છે કે કોઈ વિમાન અમારી સાથે અથડાયું છે.”
હાલ, અથડામણનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. એરપોર્ટ પ્રશાસને જણાવ્યું કે આ ઘટનાનો બાકીના ઓપરેશન પર કોઈ અસર થઈ નથી. મુસાફરોને સલામત રીતે ઉતારીને હોટલની વ્યવસ્થા કરવામાં આવી અને બીજા દિવસે નવી ફ્લાઇટથી મોકલવામાં આવ્યા હતા.
ડેલ્ટા એરલાઇન્સે જણાવ્યું હતું કે, “અમારી ટીમ ન્યૂયોર્ક-લા ગાર્ડિયા એરપોર્ટ પર મુસાફરોની સંપૂર્ણ કાળજી રાખી રહી છે. આ ઘટનાની તપાસ માટે અમે સત્તાવાળાઓને સંપૂર્ણ સહયોગ આપીશું. અમારી માટે મુસાફરો અને સ્ટાફની સુરક્ષા સર્વોપરી છે. મુસાફરોને થતી અસુવિધા બદલ અમે ક્ષમા યાચીએ છીએ.”