નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન કુલગામના અખાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં 2 સૈનિકો વીરગતિને પામ્યા હોવાનું જાણવા મળે છે. સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હોવાનું જાણવા મળે છે. હજુ સુરક્ષાદળો અને આતંકવાદી વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષા દળો સતત 9 દિવસથી આ વિસ્તારમાં આતંકવાદીઓ સામે ઓપરેશન ચલાવી રહ્યા છે. ઓપરેશન શરૂ થયા પછી, 10 સૈનિકો ઘાયલ થયાના અહેવાલો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, 1 ઓગસ્ટથી, સુરક્ષા દળો દક્ષિણ કાશ્મીરના અખાલ વિસ્તારના જંગલમાં આતંકવાદીઓ સામે ઓપરેશન ચલાવી રહ્યા છે. અહેવાલ મુજબ, સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ વડા નલિન પ્રભાત અને આર્મી નોર્ધન કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા સહિત વરિષ્ઠ અધિકારીઓ સતત ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. આ ઓપરેશન માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જંગલમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે ડ્રોન અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વિસ્તારમાં ઓપરેશન હજુ પણ ચાલુ છે.
(PHOTO-FILE)