નાગાલેન્ડના મોકોકચુંગમાં ભૂસ્ખલનને કારણે બે કિશોર ભાઈઓના મોત
કોહિમા, 30 જુલાઈ 2026: Landslide in Mokokchung નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે બે કિશોર ભાઈઓના મોત થયા અને તેમની માતા ઘાયલ થઈ. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના ગઈકાલે અપર પેનલી વોર્ડમાં બની હતી, જ્યારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનની ઝપેટમાં તેમનું ઘર આવી ગયું હતું.
તેમણે જણાવ્યું હતું કે SDRF, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, પેનલી વોર્ડ કોલોની કાઉન્સિલ અને સ્થાનિક સ્વયંસેવકોની બનેલી સંયુક્ત ટીમે કાટમાળમાંથી કિશોરોના મૃતદેહો બહાર કાઢ્યા હતા.
કાદવમાં ફસાઈ ગઈ માતા
એક અધિકારીએ જણાવ્યું હતું કે કમર સુધીના કાદવમાં ફસાઈ ગયા બાદ તેમની માતાને બચાવી લેવામાં આવી હતી. તેમણે સમજાવ્યું કે રાતભર પડેલા વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જેનાથી તેમના ભાડાના મકાનની ઉપર આવેલી રિટેનિંગ વોલ ધરાશાયી થઈ ગઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ મુવાલોંગ સાંગતામ (19) અને થ્રિદિબા સાંગતામ (16) તરીકે કરવામાં આવી છે. બંને મોકોકચુંગની ક્વીન મેરી હાયર સેકન્ડરી સ્કૂલ (GMHSS) ના વિદ્યાર્થીઓ હતા.
ઉનાળુ વેકેશન બાદ 28 જુલાઈએ શાળાઓ ફરી ખૂલી તે પહેલાં જ આ પરિવાર મોકોકચુંગ પરત ફર્યો હતો. મૃતક અને તેમની માતા તુએનસાંગ જિલ્લાના એલિસોપુર ગામના રહેવાસી હતા.


