પોરબંદર, 29 માર્ચ 2026: Two teenagers drown while bathing in a pond જિલ્લાના રાણા રોજીવડા ગામે શાળાએથી છૂટ્યા બાદ તળાવમાં નહાવા ગયેલા બે કિશોરોના ડૂબી જતા કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્કૂલથી ઘરે પરત ફરતી વેળા બંને ‘નેસડા તળાવ’માં નાહવા પડ્યા હતા અને ડૂબી ગયા હતા. એક બાળક તો પાંચ બહેન વચ્ચે એકનો એક ભાઈ હતો.
આ બનાવની વિગત એવી છે કે, પોરબંદર જિલ્લાના ભાણવડ નજીક આવેલા રાણા રોજીવડા ગામના બે વિદ્યાર્થીઓ શાળાએથી પરત ફર્યા બાદ ગામના ‘નેસડા તળાવ’માં નહાવા માટે ગયા હતા. તળાવમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા બંને કિશોરો ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા, પરંતુ કમનસીબે બંનેને બચાવી શકાયા નહોતા.
આ ઘટનામાં સૌથી કરુણ બાબત એ છે કે, 12 વર્ષીય સુમિત સોલંકી પાંચ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. પરિવારના એકમાત્ર પુત્રના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટના બાદ બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભાણવડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બગવદર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. બે આશાસ્પદ બાળકોના મોતથી રાણા રોજીવડા ગામમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.

