Site icon Revoi.in

કુલગામમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયાં

Social Share

કુલગામ : દક્ષિણ કાશ્મીરના કુલગામના ગુડર જંગલ વિસ્તારમાં 12 કલાકથી વધુ ચાલી અથડામણમાં  બે આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે. તેમાં એક શોપિયાનના દરમડોરાનો આમિર અહમદ ડાર છે, જેનું નામ પહલગામ હુમલા બાદ તૈયાર કરાયેલી 14 સ્થાનિક આતંકીઓની યાદીમાં સામેલ હતું. પોલીસ અધિકારી મુજબ, આમિર ‘સી કેટેગરી’નો આતંકી હતો અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હતો. તે 30 સપ્ટેમ્બર, 2023થી આતંકી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. ઠાર મરાયેલો બીજો આતંકી પાકિસ્તાની રહમાન છે, જે લાંબા સમયથી પીર પંજાલ વિસ્તારમાં સક્રિય હતો.

સુરક્ષા દળોએ પુષ્ટિ કરી કે, 14 આતંકીઓની યાદીમાંના અત્યાર સુધી 8 આતંકીઓને ઢેર કરી દેવામાં આવ્યા છે. બાકીના 6ની શોધખોળ ચાલુ છે. 2 ઓગસ્ટે કુલગામના અખલ વિસ્તારમાં થયેલી અથડામણમાં લશ્કરનો હરિસ નજિર માર્યો ગયો હતો, જે યાદીમાં સામેલ હતો. 13 મેના રોજ શોપિયાના શુકરૂમાં 3 અને 15 મેના રોજ ત્રાલના નાદર વિસ્તારમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પહલગામ હુમલા બાદ ખૂફિયા એજન્સીઓએ 14 સ્થાનિક આતંકીઓની યાદી બનાવી હતી. આ આતંકીઓ હિજબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. હવે 6 આતંકીઓ હજુ બચેલા છે, જેમાં 3 હિજબુલ અને 3 લશ્કરના છે.

જુબેર અહમદ વાની ઉર્ફે અબુ ઉબૈદા (39) : હિજબુલનો મુખ્ય ઑપરેશનલ કમાન્ડર, અનંતનાગમાં સક્રિય, 2018થી સુરક્ષા દળો પર હુમલામાં સામેલ હતો.

આદિલ રહમાન (21) : 2021માં લશ્કરમાં જોડાયો, હાલ સોપોર જિલ્લાનો કમાન્ડર.

આસિફ અહમદ ખાંડે (24) : શોપિયાનો રહેવાસી, 2015થી હિજબુલમાં સક્રિય, પાકિસ્તાન સમર્થિત જૂથ સાથે જોડાયેલો.

નસિર અહમદ વાની (21) : 2019થી લશ્કરમાં સક્રિય, શોપિયામાં આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ.

હારૂન રશીદ ગનાઈ (32) : અનંતનાગનો હિજબુલ આતંકી, અગાઉ POKની મુસાફરી કરેલી, તાજેતરમાં દક્ષિણ કાશ્મીરમાં પરત ફરેલો.

જાકિર અહમદ ગની (29) : લશ્કર સાથે જોડાયેલો, સુરક્ષા દળો પર હુમલા અને ટાર્ગેટ કિલિંગમાં સંડોવાયેલો.

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, હવે આ 6 આતંકીઓ સુરક્ષા દળોની હિટલિસ્ટમાં ટોપ ઉપર છે..

Exit mobile version