Site icon Revoi.in

ગોધરા નજીક હાઈવે પર બે લકઝરી બસ વચ્ચે અકસ્માત, બે મહિલાના મોત, 15ને ઈજા

Social Share

ગોધરાઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે, ત્યારે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગોધરા નજીક કંકુથાભલા પાસે ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ખાનગી લક્ઝરી બસો વચ્ચે થયેલા આ અકસ્માતમાં બે મહિલા મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે 15 જેટલા પ્રવાસીઓને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,   પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કંકુથંભલા ગામ નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મોડી રાત્રે બે ખાનગી લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી મધ્યપ્રદેશ જઈ રહેલી એક લક્ઝરી બસ અને દાહોદ તરફથી આવી રહેલી અન્ય એક ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બે મુસાફર મહિલાના ઘટનાસ્થળે જ જીવ ગયા હતા જ્યારે 15 મુસાફરને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટથી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ સામે દાહોદ તરફથી આવી રહેલી અન્ય લક્ઝરી બસ સામસામે ધડાકાભેર અથડાઈ હતી. રાજકોટ જિલ્લામાં ખેતી કામ માટે ગયેલા મધ્યપ્રદેશના શ્રમિકો દિવાળીનો તહેવાર મનાવવા માટે પોતાના વતન તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા તમામ 13 મુસાફરને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી પાંચ મુસાફરોને વધુ ગંભીર ઇજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.મૃતકોના નામ કુસુમબેન મડિયાભાઈ મસાનીયા અને સંગીતાબેન પપ્પુભાઈ ભુરીયા હોવાનુ જાણવા મળ્યુ છે.

Exit mobile version