- શ્રમિકો નાઇટ શિફ્ટ પુરી કરીને ટેમ્પોમાં બેસીને ઘરે જતા હતા ત્યારે બન્યો બનાવ,
- ત્રણ શ્રમિકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા,
- ટેમ્પો પલટી જતા હાઈવે પર ટ્રાફિક જામ થયો
ભૂજઃ કચ્છ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ભચાઉ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ભચાઉ નજીક હાઈવે પર ટ્રકે ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પો પલટી ખાતા ટેમ્પામાં ઘેર ઝઈ રહેલા બે શ્રમિકાનો મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ શ્રમિકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં એકની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, ભચાઉના નવી મોટી ચિરઇ ગામ નજીક આવેલી બુંગી કંપનીમાં કામ કરતા 15થી 17 જેટલા શ્રમિકો નાઇટ શિફ્ટ પુરી કરીને ટેમ્પોમાં બેસીને નજીકના પડામાં આવેલી મજૂર વસાહત તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન સિમેન્ટના પાઇપ ભરેલા ટ્રકે ટેમ્પાને પાછળથી ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો હતો. ટ્રકની ટક્કરથી ટેમ્પો પલટી જતા બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં એક શ્રમિકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ટેમ્પોચાલક સહિત અન્ય શ્રમિકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
વહેલી સવારે ધોરીમાર્ગ પર અકસ્માત થતાં નેશનલ હાઇવેના અધિકારી શૈલેષ રામી હાઇવે પેટ્રોલિંગની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હાઇવે પર થયેલો ટ્રાફિકજામ ખુલ્લો કરાવ્યો હતો.

