Site icon Revoi.in

કપડવંજમાં જેસીબીને ડમ્પરે ટક્કર મારતા ફુટપાથ પર સુતેલા બે શ્રમિકોના મોત, એક ગંભીર

Social Share

કપડવંજઃ શહેરના સીલીંગ સેન્ટર પાસે વહેલી પરોઢે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, વહેલી સવારે એક ડમ્પર બેફામ ગતિએ રોડ સાઈડ પર પાર્ક કરેલા જેસીબીને ટક્કર મારતા જેસીબી ફુટપાથ પર સુતેલા ત્રણ શ્રમિકો પર ફરી વળ્યુ હતુ. જેમાં બે શ્રમિકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એક શ્રમિકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે,  ખેડાના કપડવંજમાં અમૂલ ચીલિંગ સેન્ટર પાસે અકસ્માત સર્જાયો હતો. જ્યાં ફૂટપાથ પર ત્રણ જેટલા શ્રમિકો સૂતા હતા. આ દરમિયાન એક જેસીબી ત્યાં ઊભું હતું. એકાએક પાછળથી એક ડમ્પર આવ્યું અને જેસીબીને ટક્કર મારી, જેના કારણે જેસીબી ફૂટપાથ પર ફરી વળ્યું હતું. જેસીબીના કારણે ફૂટપાથ પર સૂતેલા ત્રણેય શ્રમિકોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાંથી બે શ્રમિકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેની હાલ સારવાર ચાલી રહી છે.

આ અકસ્માત બાદ ડમ્પર અને જેસીબી વાહનના ડ્રાઇવરો પોતાના વાહનો ત્યાં જો છોડીને ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતકોના મૃતદેહોને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા છે. હાલ, પોલીસ વાહનોના નંબરના આધારે વાહન ચાલકને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ હાલ આ મામલે સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે, તેમજ આસપાસના લોકો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન નોંધી આ વિશે વધુ તપાસ કરવામાં આવશે. અન્ય જે એક શ્રમિક સારવાર હેઠળ છે, તેની તબિયત સુધરતા તેનું પણ નિવેદન નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.