Site icon Revoi.in

ઊધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન રોજ દોડાવવા મળી લીલીઝંડી

Social Share

સુરતઃ શહેરના ઉધના બ્રહ્મપુર વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડતી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને હવે રોજ દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડે દ્વારા અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને સંપૂર્ણ નિયમિત (ડેઈલી) ચલાવવાની મંજૂરી આપી દીધી છે. ગુજરાતની  પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. બે મહિનામાં આ ટ્રેનને નિયમિત કરવામાં આવશે, તેવી તત્કાલિન સમયે રેલવે મંત્રી દ્વારા જાહેરાત કરવામાં હતી.

ઉધના-બ્રહ્મપુર વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું બે મહિના પહેલાં જ એટલે કે,  27 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયુ હતું. તત્કાલિન સમયે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે વચન આપ્યું હતું કે બે મહિનામાં આ ટ્રેનને નિયમિત કરી દેવામાં આવશે. રેલવેએ પહેલાં 19 નવેમ્બરથી ત્રિ-સાપ્તાહિક (સપ્તાહમાં ત્રણ દિવસ) ચલાવીને વચન પૂરું કર્યું હતું, અને હવે રેલવે બોર્ડે સીધી રોજ ચલાવવાની મંજૂરી આપી છે. હાલમાં ટ્રેન નં. 19021 ઉધના-બ્રહ્મપુર રવિવાર, બુધવાર અને શુક્રવારે તથા ટ્રેન નં. 19022 બ્રહ્મપુર-ઉધના સોમવાર, ગુરુવાર અને શનિવારે ચાલે છે. સપ્ટેમ્બરમાં આ ટ્રેન માત્ર અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી હતી, પરંતુ યાત્રીઓની અસાધારણ માંગને કારણે રેલવેએ પહેલાં ત્રિ-સાપ્તાહિક અને હવે સીધી નિયમિત કરવાનો નિર્ણય લીધો છે.

સુરત-ઓડિશા રૂટ પર અત્યાર સુધી માત્ર તાપ્તી ગંગા એક્સપ્રેસ જ પૂર્ણ નિયમિત ટ્રેન હતી. હવે અમૃત ભારત એક્સપ્રેસ પણ રોજ ચાલશે તો હજારો પ્રવાસી મજૂરો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. આ 22 કોચવાળી સુપરફાસ્ટ ટ્રેનમાં સીસીટીવી, એલઇડી ડિસ્પ્લે, ફાયર-પ્રૂફ સીટો, મોબાઇલ-લેપટોપ ચાર્જિંગ પોઇન્ટ જેવી તમામ આધુનિક સુવિધાઓ છે.

Exit mobile version