Site icon Revoi.in

UGCએ ફી રિફંડ પોલીસી જાહેર કરી, 15 દિવસ પહેલા પ્રવેશ રદ થશે તો 100 ટકા ફી રીફંડ મળશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઈજનેરી સહિત તમામ વિદ્યાશાખાઓમાં પ્રવેશની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પ્રવેશ કાર્યવાહી દરમિયાન વિદ્યાર્થી ફાળવેલો પ્રવેશ રદ કરાવે તો ફી પરત આપવાના મામલે અસમજસભરી સ્થિતિ હતી. ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ફી રિફંડ પોલીસી જાહેર કરવામાં આવી છે. એડમિશનની છેલ્લી તારીખના 15 દિવસ પહેલા વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તો 100 ટકા ફી રીફંડ મળી શકશે. જૂના પેન્ડીંગ કેસોનો નિકાલ કરવા માટે પણ UGC  દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત 31 ઓકટોબર 2025ને કટઓફ ડેટ ગણીને વિદ્યાર્થીઓને ફી રીફંડ કરવા યુનિવર્સિટીઓને તાકીદ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ફી રિફંડને લઈને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જૂન મહિનામાં ફી રીફંડ પોલીસી જાહેર કરાતી હોય છે. જોકે ચાલુ શૈક્ષણિક વર્ષમાં યુજીસી દ્વારા નવી ફી રીફંડ પોલીસી જાહેર કરવામાં આવી નહોતી, જેને લઈને ગત શૈક્ષણિક વર્ષ 2024-25ની ફી રીફંડ પોલીસીને લાગુ કરવા માટે યુનિવર્સિટીઓને સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત ફી રીફંડના પેન્ડિંગ કેસોનો નિકાલ કરવા પણ યનિવર્સિટીઓને સુચના આપવામાં આવી છે. એડમિશનની છેલ્લી તારીખના 15 થી 30 દિવસ વચ્ચે કેન્સલ કરાવવા પર 50 ટકા જ ફી પરત મળવાપત્ર રહેશે. જોકે એડમિશનની છેલ્લી તારીખના 30 દિવસ પછી પ્રવેશ રદ્દ કરાવવા પર કોઈ ફી રીફંડ મળી શકશે નહીં.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, યુનિવર્સિટીમાં ફી રિફંડ માટે સૌથી વધુ અરજીઓ સાયન્સ ફેકલ્ટી, ટેકનોલોજી ફેકલ્ટી તથા મેનેજમેન્ટમાં આવે છે. આ ત્રણ ફેકલ્ટીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટી-કોલેજમાં પણ અરજી કરતાં હોય છે. વિદ્યાર્થીઓને મનપસંદ જગ્યાએ પ્રવેશ મળી જતો હોય તેવા સંજોગોમાં તેઓ યુનિવર્સિટીમાં પ્રવેશ કેન્સલ કરાવી દેતા હોય છે અને તેવા વિદ્યાર્થીઓ ફી રિફંડ માટે પ્રક્રિયા કરતાં હોય છે. કોમર્સ, આર્ટસ, એજયુકેશન સાયકોલોજી, હોમ સાયન્સ જેવી ફેકલ્ટીમાં ફી રિફંડની અરજીઓ ઓછી આવે છે.

Exit mobile version