Site icon Revoi.in

સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને 180 દિવસમાં ડિગ્રી સર્ટી આપવા UGCનો આદેશ

Social Share

અમદાવાદઃ દેશની ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ માટે યુજીસીએ ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં ખાસ કરીને સરકારી યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાઓ મોડી યોજીને તેના પરિણામો પણ વિલંબથી જાહેર કરવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારબાદ પદવીદાન સમારોહ પણ વિલંબથી યોજવામાં આવતો હોય છે. જેના લીધે વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ સમયસર મળતા નથી.  શિક્ષણ સંસ્થાઓ દ્વારા પરીક્ષા અને ડિગ્રી આપવામાં થતા વિલંબને ગંભીરતાથી લેતા, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ હવે લાલ આંખ કરી છે. યુજીસીએ દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો વિદ્યાર્થીઓને નિર્ધારિત સમય એટલે કે 180 દિવસની અંદર ડિગ્રી આપવામાં નહીં આવે તો યુનિવર્સિટીની ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનને દેશની અનેક સંસ્થાઓ વિરુદ્ધ ફરિયાદો મળી હતી કે યુનિવર્સિટીઓ સમયસર પરીક્ષાઓ નથી લેતી અને પરિણામો પણ મોડા જાહેર કરી રહી છે. આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને, યુજીસીએ તાત્કાલિક પગલાં ભર્યા છે.જો શૈક્ષણિક કાર્યક્રમો એકેડેમિક કેલેન્ડર મુજબ નહીં ચાલે તો યુજીસી ગ્રાન્ટ અટકાવવા સુધીના પગલાં લેવાની તાકીદ કરી છે.

યુજીસીએ એવી પણ તાકીદ કરી છે કે, માત્ર ગ્રાન્ટ અટકાવવા સુધી નહીં, પરંતુ યુનિવર્સિટીની માન્યતા રદ્દ કરવા સુધીની કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.આ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સહિત દેશભરની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ તેમજ કોલેજોને સત્તાવાર કડક પત્ર લખ્યો છે.પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, “જો એકેડેમિક કેલેન્ડર અનુસાર પ્રોગ્રામ્સ નહીં ચલાવવામાં આવે, અને પરીક્ષા, પરિણામ કે પછી ડિગ્રી આપવામાં વિલંબ થશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. યુજીસીના આ નિર્ણયથી શિક્ષણ સંસ્થાઓમાં હલચલ મચી ગઈ છે અને હવે તેમને સમયસર પરીક્ષાઓ લેવા અને ડિગ્રીઓ આપવા માટે દબાણ હેઠળ કામ કરવું પડશે.

Exit mobile version