Site icon Revoi.in

ઉકાઈ ડેમની જળસપાટી 343.89 ફુટે પહોંચી, ડેમ ભયજનક સપાટીથી 1.11 ફુટ દૂર

Social Share

સુરતઃ મેઘરાજા વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આજે બુધવારે પણ 5 તાલુકામાં વરસાદ પડ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં સુરત શહેર અને તાપી નદી પરના ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લીધે ઉકાઈ ડેમની સપાટી લગભગ ભયજનક સ્તરે પહોંચી છે. હાલમાં ડેમની સપાટી 343.89 ફૂટ પર છે, જે ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 1.11 ફૂટ દૂર છે. ડેમમાં પાણીની સતત આવકને કારણે 1.41 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરાયા છે. સુરતનો તાપી નદી પરનો કોઝવે ભયજનક સપાટી વટાવી ગયો છે.

તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સુરતના કોઝવે પર પાણીનું સ્તર 8.4 મીટર સુધી પહોંચી ગયું છે, જે તેની ભયજનક સપાટી 6 મીટરથી ઘણું વધારે છે. આ કારણે કોઝવે પરનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાણીનો પ્રવાહ હજી પણ વધી શકે તેવી શક્યતા છે, જેને કારણે વહીવટી તંત્રની એલર્ટ મોડ પર છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હજી પણ ભારે વરસાદની આગાહી કરી છે. જો વરસાદ ચાલુ રહેશે તો ઉકાઈ ડેમમાંથી વધુ પાણી છોડવાની ફરજ પડી શકે છે, જેના કારણે તાપી નદી અને કોઝવેમાં પાણીની સપાટીમાં વધુ વધારો થશે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.