
ઉમેશ પાલ હત્યા કેસઃ અતિકની પત્ની શાઈસ્તાને શોધવા માટે પોલીસના વિવિધ સ્થળો ઉપર દરોડા
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચકચાર મચાવનાર ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર શાઈસ્તા પરવીનને શોધવા માટે પોલીસ દ્વારા વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. શાઈસ્તા હાલ અશરફ અહેમદની સાસરીમાં છુપાયેલી હોવાની માહિતીના આધારે પોલીસે અશરફના સાસરી હટવામાં દરોડા પાડ્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર ઉમેશ પાલ હત્યા કેસમાં કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પોલીસે ધરપકડ કરી હતી. જો કે, બંને આરોપીઓને મેડિકલ ટેસ્ટ અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. ત્યારે હોસ્પિટલ સંકુલમાં જ ત્રણ શૂટર્સે ગોળીબાર કરીને અતિક અને તેના ભાઈ અશરફની હત્યા કરી હતી. આ ઉપરાંત અતિકનો પુત્ર અસદ પોલીસ એન્કાઉનટરમાં ઠાર મરાયો હતો. જ્યારે ગુડ્ડુ મુસ્લિમ સહિતના આરોપીઓને ઝડપી લેવા પોલીસે કવાયત આરંભી છે.
સમગ્ર કેસમાં અતિકની પત્ની શાઈસ્તા પણ મુખ્ય સુત્રધાર હોવાનું ખૂલ્યું છે. પોલીસથી બચવા માટે શાઈસ્તા ભૂગર્ભમાં ઉતરી ગઈ છે, પોલીસે તેને ઝડપી લેવા માટે વિવિધ સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. અતિકની પત્ની શાઈસ્તાને ઝડપી લેવા માટે પોલીસ હટવા ઉપરાંત કૌશાંબી અને પ્રયાગરાજ સહિતના વિસ્તારમાં દરોડા પાડીને તપાસ કરી રહી છે. ચકિયા સ્થિત શાઈસ્તાના પિયરમાં હાલ કોઈ નથી, ઘરના તમામ સભ્યો ગાયબ હોવાનું જાણવા મળે છે.
પોલીસની તપાસમાં શાઈસ્તાની સંડોવણીને લઈને ચોંકાવનારા ખુલાસા થયાં છે. હવાલા મારફતે અતિક ગેંગના નાણા શાઈસ્તા સુધી પહોંચતા હતા. અતિકનો કહેવાતા વકીલ હનીફે ઉમેશ પાલની હત્યાના દિવસે જ હવાલા મારફતે મળેલા રૂ. 1.20 કરોડ શાઈસ્તાને આપ્યાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ઉમેશ પાલની હત્યા બાદ શૂટરો શાઈસ્તા પાસે ગયા હતા. જ્યાં તેણે શુટરોને નાણા આપીને ભૂગર્ભમાં ઉતરી જવાની સુચના આપી હતી.