અમદાવાદ, 17 માર્ચ 2026: UNESCO delegation to arrive in Ahmedabad tonight વર્લ્ડ હેરિટેજસિટી ગણાતા અમદાવાદ શહેરની મુલાકાતે યુનેસ્કોનું પ્રતિનિધિ મંડળ આજે રાત્રે આવી પહોંચશે. પ્રતિનિધિ મંડળ શહેરમાં 5 દિવસના રોકાણ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ, દાણાપીઠ ફાયર સ્ટેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના હેરિટેજ બિલ્ડીંગના ચાર પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ મામલે કેટલાક પ્રશ્નો હોવાથી ચર્ચા કરશે.
દેશમાં વૈશ્વિક ઓળખ ધરાવનારા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના વૈશ્વિક દરજ્જાને જાળવી રાખવા માટે યુનેસ્કો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ઇકોમોસ)નું સંયુક્ત પ્રતિનિધિમંડળ આજે 17 માર્ચના રોજ અમદાવાદની મુલાકાતે આવી પહેંચશે. પ્રતિનિધિ મંડળ પાંચ દિવસના રોકાણ દરમિયાન વિવિધ હેરિટેજ સ્થળોની મુલાકાત પણ લેશે. વર્લ્ડ હેરિટેજ સિટીમાં ઓળખ ધરાવતા એવા કોટ વિસ્તારમાં કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ, દાણાપીઠ ફાયર સ્ટેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના હેરિટેજ બિલ્ડીંગના ચાર પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ મામલે કેટલાક પ્રશ્નો હોવાથી આ પ્રતિનિધિ મંડળ મુલાકાતે આવ્યા હોવાનું કહેવાય છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુનેસ્કોનું પ્રતિનિધિ મંડળ આજે મોડી રાત્રે અમદાવાદ ખાતે આવી પહોંચશે, ત્યાર બાદ 18 માર્ચના રોજ દાણાપીઠ મ્યુનિસિપલ ઓફિસ ખાતે એક મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં યુનેસ્કો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને ઇકોમોસના ટેકનિકલ રિવ્યુ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન પ્રિસિન્ટ ડેવલોપમેન્ટ, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ એવા બંને પ્રોજેક્ટના કારણે કોટ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારતોને નુકસાન થવાનું જોખમ હોવાની બાબતો તેમજ હેરિટેજ ઇમારતોને થઈ રહેલા નુકસાનને રોકવા શું કરી શકાય તેની સમીક્ષા પણ કરાશે. દાણાપીઠ ફાયર સ્ટેશનમાં પાર્કિંગને લઈને વધુ મોટી સમસ્યા ઊભી થશે એ બાબતો ઉપર પણ ચર્ચા થાય તેવી શક્યતા છે.
સૂત્રોના કહેવા મુજબ 19 માર્ચના રોજ સવારના સમયે ઇકોમોસના એક્સપર્ટ એલિઝાબેથ વાઈન્સ અને યુનેસ્કોના એકસપર્ટ રોલેન્ડ લિન પોતે દાણાપીઠ ફાયર સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનની રૂબરૂ મુલાકાત લેશે. આ પ્રોજેક્ટ્સ સ્થળ પર કેવા દેખાય છે અને તેનાથી આસપાસના ઐતિહાસિક માળખા પર શું અસર પડી રહી છે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવશે. ઉપરાંત પાંચ દિવસીય ‘રિયેક્ટિવ મોનિટરિંગ મિશન’ દરમિયાન ટીમ દ્વારા ભદ્રના કિલ્લાના સંરક્ષણ, સરદાર પટેલ મ્યુઝિયમના સંરક્ષણ, ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ સહિતના ચાલી રહેલા પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરાશે. 21 માર્ચના રોજ મ્યુનિસિપલ કમિશનર સાથેની અંતિમ બેઠક બાદ આ ટીમ દિલ્હી પરત ફરશે. યુનેસ્કોનો આ રિપોર્ટ અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટી મહત્વનું સાબિત થશે.

