1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એન્ડ ઇન્સ્ટિટ્યુટ ફોર કોમ્પિટિટિવનેસ દ્વારા તૈયાર કરાયેલું વર્કિંગ પેપર બહાર પાડ્યું
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એન્ડ ઇન્સ્ટિટ્યુટ ફોર કોમ્પિટિટિવનેસ દ્વારા તૈયાર કરાયેલું વર્કિંગ પેપર બહાર પાડ્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એન્ડ ઇન્સ્ટિટ્યુટ ફોર કોમ્પિટિટિવનેસ દ્વારા તૈયાર કરાયેલું વર્કિંગ પેપર બહાર પાડ્યું

0
Social Share

દિલ્હી:”વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા જાન્યુઆરી 2020માં કોવિડ-19ને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવ્યો તેના કરતાં ઘણા સમય પહેલાં, આ મહામારીને નિયંત્રણમાં લેવા માટે વિવિધ પાસાઓ પર સમર્પિત રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટેની પ્રક્રિયાઓ અને માળખા અમલમાં મૂકવામાં આવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ભારતે કોવિડ-19ના અસરકારક નિયંત્રણ માટે, એક સક્રિય, આગોતરી અને તબક્કાવાર રીતે ‘સંપૂર્ણ સરકાર’ અને ‘સંપૂર્ણ સમાજ’નો અભિગમ અપનાવ્યો છે અને આમ સર્વગ્રાહી પ્રતિભાવની વ્યૂહરચના અપનાવી છે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે રસીકરણ અને સંબંધિત બાબતોની આર્થિક અસર પર ‘ધ ઇન્ડિયા ડાયલોગ’ શીર્ષક સાથે યોજાયેલા સંવાદ સત્રને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતી વખતે તેમણે આ વાત કહી હતી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યુટ ફોર કોમ્પિટિટિવનેસ એન્ડ યુએસ-એશિયા ટેક્નોલોજી મેનેજમેન્ટ સેન્ટર, દ્વારા આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમયે તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એન્ડ ઇન્સ્ટિટ્યુટ ફોર કોમ્પિટિટિવનેસ દ્વારા “હીલિંગ ધ ઇકોનોમી: એસ્ટીમેટીંગ ધ ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓન ઇન્ડિયાઝ વેક્સિનેશન એન્ડ રિલેટેડ ઇશ્યુ” (“હીલિંગ ધ ઇકોનોમી: રસીકરણ અને સંબંધિત પગલાંની આર્થિક અસરનું અનુમાન”) શીર્ષક સાથે તૈયાર કરવામાં આવેલું વર્કિંગ પેપર પણ બહાર પાડ્યું હતું. આ પેપરમાં વાઇરસના સંક્રમણને રોકવા માટેના પગલાં તરીકે નિયંત્રણની ભૂમિકાની ચર્ચા કરવામાં આવી છે. તેમાં એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે, ટોપ-ડાઉન અભિગમની સામે, બોટમ-અપ અભિગમ વાઇરસને નિયંત્રણમાં લેવા માટે મહત્વપૂર્ણ રહ્યો હતો. તદુપરાંત, સ્ટેનફોર્ડના રિપોર્ટમાં નોંધપાત્ર રીતે એવું ટાંકવામાં આવ્યું છે કે, સંપર્ક ટ્રેસિંગ, સામૂહિક પરીક્ષણ, હોમ ક્વૉરેન્ટાઇન, આવશ્યક તબીબી સાધનોનું વિતરણ, આરોગ્ય સંભાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારણા અને કેન્દ્ર, રાજ્ય તેમજ જિલ્લા સ્તરે હિતધારકો વચ્ચે સતત સંકલન જેવા પાયાના સ્તરે લેવામાં આવેલા વિવિધ મજબૂત પગલાં, માત્ર વાઇરસના સંક્રમણને રોકવામાં જ નહીં, પણ આરોગ્યના માળખાને વધારવામાં પણ મદદરૂપ પુરવાર થયા છે.

તેમાં ભારતની વ્યૂહરચનાના ત્રણ પાયાના પથ્થરોનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે, જે – નિયંત્રણ, રાહત પેકેજ અને રસી આપવાની કામગીરી છે. તેમાં એ બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે કે, આ ત્રણ પગલાં કોવિડ-19 ના સંક્રમણને નિયંત્રણમાં લાવી  લોકોના જીવ બચાવવા અને આર્થિક પ્રવૃત્તિને સુનિશ્ચિત કરવા, આજીવિકા ટકાવી રાખવા અને વાઇરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટે મહત્વપૂર્ણ રહ્યાં હતા. વર્કિંગ પેપરમાં આગળ એવું નોંધવામાં આવ્યું છે કે, ભારત અભૂતપૂર્વ વ્યાપકતા પર રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હાથ ધરીને 3.4 મિલિયનથી વધુ લોકોના જીવ બચાવવામાં સક્ષમ રહ્યું હતું. વર્કિંગ પેપરમાં જણાવ્યા મુજબ, રસીકરણ અભિયાનમાં હંમેશા લોકોના જીવ બચાવવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જો કે, તેના કારણે US$ 18.3 બિલિયનનું નુકસાન અટકાવીને સકારાત્મક આર્થિક અસર પણ ઉપજાવી શકાઇ છે. રસીકરણ અભિયાન પાછળ થયેલા ખર્ચને ધ્યાનમાં લીધા પછી દેશને US$ 15.42 બિલિયનનો ચોખ્ખો લાભ થયો હતો.

ડૉ. માંડવિયાએ દેશવાસીઓ દ્વારા કરવામાં આવેવલા પ્રયાસોની પ્રશંસા કરતા, સફળતાનો મોટો શ્રેય એવા નાગરિકોને આપ્યો હતો જેમણે કોવિડ સામેની જંગમાં સરકાર અને અન્ય હિતધારકોને સહકાર આપ્યો હતો.વડાપ્રધાન દ્વારા વહેલી તકે લૉકડાઉન લાગુ કરવાના નિર્ણયને મહત્વપૂર્ણ વળાંક તરીકે ગણાવતા, ડૉ. માંડવિયાએ ઉલ્લેખ કર્યો હતો કે, તેના કારણે સરકાર કોવિડ-19 સામે લડવા માટે કોવિડ માટે યોગ્ય આચરણ (CAB)નો અમલ કરવા અને ઝડપી તેમજ મજબૂત સંસ્થાકીય પ્રતિસાદ આપવા માટે તૈયાર કરેલી તેની પાંચ-પાંખીય વ્યૂહરચના એટલે કે ટેસ્ટ- ટ્રેક- ટ્રીટ- રસીકરણ- અનુપાલન કરાવવા માટે સમુદાયના પ્રતિભાવનો લાભ ઉઠાવવામાં સમર્થ બની છે.

ડૉ. માંડવિયાએ હિતધારકો વચ્ચે મજબૂત સહકારની જરૂરિયાતનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું હતું કે, “સરકારે કોવિડ સંબંધિત પથારી, દવાઓ, લોજિસ્ટિક્સ એટલે કે N-95, PPE કિટ અને મેડિકલ ઓક્સિજનની દૃષ્ટિએ આરોગ્ય માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, સાથે સાથે ઉત્કૃષ્ટતા કેન્દ્રોના માધ્યમથી અને ઇસંજીવની ટેલિમેડિસિન સેવા, આરોગ્ય સેતૂ, કોવિડ-19 ઇન્ડિયા પોર્ટલ વગેરે જેવા ડિજિટલ ઉકેલોનો અમલ કરીને માનવ સંસાધનોનું કૌશલ્ય વધારવા માટે પણ ધ્યાન આપવામાં આવ્યું છે.” ટેસ્ટિંગ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અભૂતપૂર્વ દરે વ્યાપક બનાવવા માટે પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત 917.8 મિલિયન જેટલી મોટી સંખ્યામાં પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત, વાઇરસના ઉભરતા પ્રકારો પર દેખરેખ રાખવા માટે જીનોમિક સર્વેલન્સ માટે 52 લેબનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું હતું.

ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “આ ગતિને એકધારી જાળવી રાખીને, ભારતે વિશ્વની સૌથી મોટી રસીકરણ કવાયત હાથ ધરી હતી, જે અંતર્ગત પાત્રતા ધરાવતા 97% લોકોને પ્રથમ ડોઝ અને 90% લોકોને બીજો ડોઝ આપીને કુલ 2.2 બિલિયન ડોઝ આપવામાં આવ્યા છે. આ કવાયતમાં સૌના માટે સમાન કવરેજ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, તેથી તમામ નાગરિકોને મફત રસી આપવામાં આવી હતી. આ અભિયાન અને ડિજિટલ ટૂલ્સ જેમ કે ‘હરઘર દસ્તક’, મોબાઇલ રસીકરણ ટીમો તેમજ કો-વિન (Co-WIN) વેક્સિન મેનેજમેન્ટ પ્લેટફોર્મનો પ્રારંભ કરવાથી છેવાડાની વ્યક્તિ સુધી રસીકરણની સુવિધા પહોંચાડવાનું સુનિશ્ચિત કરવા માટે તેનો લાભ લઇ શકાયો હતો.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મહામારીના નિયંત્રણની સફળતામાં લક્ષ્યાંકિત માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર દ્વારા સમુદાયમાંથી ભય દૂર કરવા, ખોટી માહિતી અને ઇન્ફોડેમિકને નિયંત્રણ કરવાની કામગીરી નિર્ણાયક પરિબળ રહી હતી.

અહેવાલમાં એ બાબતને પ્રતિબિંબિત કરવામાં આવી છે કે, રસીકરણમાં ખર્ચ થયો તેની સરખામણીએ તેનાથી ઘણા વધારે ફાયદા થયા છે અને સૂચન કર્યું હતું છે કે, રસીકરણને માત્ર આરોગ્ય હસ્તક્ષેપ તરીકે જોવાના બદલે તેને મેક્રો ઇકોનોમિક સ્ટેબિલાઇઝિંગ સૂચક માનવામાં આવવું જોઇએ. વર્કિંગ પેપરમાં એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે, “રસીકરણ (કાર્યકારી વયના સમૂહમાં) દ્વારા $ 21.5 બિલિયન લોકોનો જીવ બચાવી શકાયો છે જે તેનો આજીવન લાભ છે.” સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અહેવાલ મુજબ, “આ તમામ રસીઓ (કોવેક્સીન અને કોવિશિલ્ડ)ના વિકાસથી દેશને વાઇરસના ઘાતક હુમલા સામે લડવામાં મદદ મળી છે અને માત્ર મોટી સંખ્યામાં લોકોને રોગપ્રતિરોધક કરવામાં આવ્યા છે એવું નથી પરંતુ આરોગ્ય સંભાળ વ્યવસ્થા પરનો બોજ પણ ઓછો થયો છે”.

મહામારી દરમિયાન ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ડૉ. માંડવિયાએ દરેકને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) જેવી પહેલો વિશે માહિતગાર કર્યા હતા જેના પર પણ વર્કિંગ પેપરમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ, સરકારે એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે, કોઇ પણ વ્યક્તિને ભૂખ્યા ન સૂવું પડે અને 800 મિલિયન લોકોને મફત અનાજનું વિતરણ કરવામાં આવે જેના પરિણામે આશરે US $ 26.24 બિલિયનની આર્થિક અસર પડી છે. આ ઉપરાંત, પીએમ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન શરૂ કરવાથી સ્થળાંતર કરનારા શ્રમિકોને તાત્કાલિક રોજગાર અને આજીવિકાની તકો પૂરી પાડવામાં મદદ મળી છે. વર્કિંગ પેપરમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે, આ યોજના દ્વારા 40 લાખ લાભાર્થીઓને રોજગારી પૂરી પાડવામાં આવી હતી જેના પરિણામે એકંદરે US$ 4.81 બિલિયનની આર્થિક અસર પડી હતી. આનાથી આજીવિકાની તકો મળી હતી અને નાગરિકો માટે આર્થિક બફર ઊભું થયું છે.

ડૉ. માંડવિયાએ આ અહેવાલ પાછળના સંશોધકો અને વિષય નિષ્ણાતોની સમગ્ર ટીમે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કોવિડ-19 કટોકટી સામે આપણી મુખ્ય વ્યૂહરચનાઓ દ્વારા લાવવામાં આવેલી આર્થિક અસરની તીવ્રતાને સમજવા માટે દરેકને તેના પર ધ્યાન આપવાનો અનુરોધ કર્યો હતો. આનાથી હિતધારકોને ભાવિ મહામારી સામે લડવામાં મદદ મળશે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે દેશમાં મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ સાથે વૈજ્ઞાનિક રીતે સમર્થિત અને પુરાવા આધારિત પ્રતિભાવ અને નિર્ણય લેવાની ચપળતા પર પ્રકાશ પાડ્યો હતો. આનાથી સરકારની વ્યૂહરચનાઓ રાષ્ટ્રની વિવિધતાને પણ સમાવી શકે છે તેવું સુનિશ્ચિત થઇ શક્યું હતું, જે ઝડપથી બદલાતી પરિસ્થિતિઓમાં તેના પ્રતિભાવને સફળતાપૂર્વક સંરેખિત કરી શકે છે. લગભગ તમામ કોવિડ રસીઓ ખરેખર રોગ સુધારતી રસીઓ છે અને માત્ર રોગ અટકાવતી રસીઓ નથી તે બાબતને ધ્યાનમાં લેતા, તેમણે વધુમાં ભલામણ કરી હતી કે, હોસ્પિટલમાં દાખલ થવાના દર અને અન્ય પરિબળો જેવી સુક્ષ્મ બાબતોને સમાવી લેવા માટે અભ્યાસનું વધુ વિસ્તરણ થઇ શકે છે.

બહાર પાડવામાં આવેલ વર્કિંગ પેપર સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના લેક્ચરર ડૉ. અમિત કપૂર અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના યુએસ-એશિયા ટેક્નોલોજી મેનેજમેન્ટ સેન્ટરના નિદેશક ડૉ. રિચાર્ડ ડેશર દ્વારા લખવામાં આવ્યું હતું. BMGFની ઇન્ડિયા કન્ટ્રી ઓફિસના નિદેશક હરિમેનન જેવા મુખ્ય વક્તાઓએ ભારપૂર્વક કહ્યું હતું કે ભારતે સફળતાપૂર્વક રસીકરણ અભિયાનની પહેલ કરી હતી જેમાં આરોગ્ય સંભાળ કાર્યકરો અને નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને તેનું વિશાળ સ્તરે તેમજ વિવિધતા પર સંચાલન કર્યું હતું. આ ભાવનાઓનો પડઘો પાડીને, હાર્વર્ડ યુનિવર્સિટીના હાર્વર્ડ ટીએચ ચાન્સ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર, ડૉ. એસ.વી. સુબ્રમણ્યને જણાવ્યું હતું કે “કોવિડ રસીકરણ અભિયાનમાં રાખવામાં આવેલી ચપળતા પ્રભાવશાળી છે, જેમાં ખાસ કરીને તે કોઇ ઐતિહાસિક પૂર્વવર્તિતા ધરાવતું ન હોવા છતાં સફળતા મેળવવાથી તે વધુ પ્રભાવશાળી કહી શકાય”. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આને બાળકોના રસીકરણ સુધી પણ વિસ્તૃત કરી શકાય છે. હલ્ટ ઇન્ટ’લ બિઝનેસ સ્કૂલ અને હાર્વર્ડ યુનિવર્સિટીના ડિવિઝન ઓફ કન્ટિન્યુઈંગ એજ્યુકેશનના પ્રોફેસર ડૉ. માર્ક એસ્પોસિટોએ ઉમેર્યું હતું કે, ભારત તેની જાળવણીમાં વિકાસશીલ બાયોસાયન્સ અને બાયોફાર્મા ક્ષેત્ર સાથે ઉભરી રહ્યું છે. આ સિદ્ધિએ દુનિયા માટે એક દૃશ્ટાંત પૂરું પાડ્યું છે અને તેની વ્યૂહરચનાઓ દુનિયાભરના અન્ય સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે લાગુ કરી શકાય છે. પ્રોફેસર રિચાર્ડ ડેશેરે સહભાગીઓને કોવિડ સમયગાળા દરમિયાન લેવામાં આવેલી વિવિધ પહેલો દ્વારા દર્શાવવામાં આવેલી સ્થિતિસ્થાપકતા વિશે માહિતી આપી હતી. પ્રત્યક્ષ અને પરોક્ષ ભંડોળ દ્વારા 280 બિલિયન US ડૉલર (IMF મુજબ)ના ખર્ચ અંદાજથી અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર પડી છે અને રાજ્ય સરકારની ક્ષમતાઓનું નિર્માણ કરવામાં મદદ મળી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code