1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે ગુજરાતમાં નેશનલ ગેમ્સ માટેનું મેસ્કોટ-એન્થમ લોન્ચ કરશે
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે ગુજરાતમાં નેશનલ ગેમ્સ માટેનું મેસ્કોટ-એન્થમ લોન્ચ કરશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે ગુજરાતમાં નેશનલ ગેમ્સ માટેનું મેસ્કોટ-એન્થમ લોન્ચ કરશે

0
Social Share

અમદાવાદઃ શહેરના ટ્રાન્સસ્ટેડીયા ખાતે આજે રવિવારને  તા.4થી સપ્ટેમ્બરે યોજાનારા ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહ 36મા રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં લૉન્ચ કરાશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ગુજરાતના રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના મંત્રી  હર્ષ સંઘવી તથા ભારતના જાણીતા રમતવીરોની ઉપસ્થિતિમાં આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરાશે.

‘રમત-ગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઊજવણી’ની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ પર્વે ગુજરાતમાં યોજાઇ રહેલી 36મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની 36 રમતોમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20,000 જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે. 36મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે રવિવારે સાંજે 6 કલાકે યોજાશે.

ટ્રાન્સસ્ટેડીયાના એકા એરેના ખાતે યોજાઈ રહેલા આ સમારોહમાં ગુજરાત રાજ્યમાં નેશનલ ગેઈમ્સના આયોજન માટે ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઑલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે. ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલા 11મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન પણ આ સમારોહમાં યોજાશે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ 12 મી માર્ચ,2022 ના રોજ 11મા ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યો હતો. ગ્રામ્ય, શાળા, તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભમાં રેકોર્ડ બ્રેક ૫૫ લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વ્યક્તિગત ઉપરાંત ટીમ, શાળા, અને જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓને ₹ 30 કરોડના ઇનામો એનાયત કરાયા છે. સફળતાપૂર્વક યોજાઈ ગયેલા 11માં ખેલ મહાકુંભના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કારની રકમ એનાયત કરાશે અને 11માં ખેલ મહાકુંભનું વિધિવત સમાપન યોજાશે.

ગુજરાતના પેરા-ઍથ્લેટ્સએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના આવા ચાર પેરા-ઍથ્લેટ્સનું પણ આ પ્રસંગે સન્માન કરાશે. સાથોસાથ તેજસ્વી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરાશે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ગુજરાતમાં યોજાઇ રહેલી ૩૬મી નેશનલ ગેઈમ્સ માટે ગુજરાત અને ભારતમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉત્સુકતા છે. રાજ્ય સરકાર રાષ્ટ્રીય રમતોત્સવમાં ભારતભરના રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત પ્રેમીઓને આવકારવા આતુર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code