
રેસ્ટોરન્ટે બનાવ્યો અનોખો નિયમ, મોંઘા કપડાં-ભારે ઘરેણાં અને ટેટૂવાળા લોકોને નહીં મળે એન્ટ્રી
- રેસ્ટોરન્ટે બનાવ્યો અનોખો નિયમ
- મોંઘા કપડાં-ભારે ઘરેણાં અને ટેટૂવાળા લોકોને નહીં મળે એન્ટ્રી
- સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને બનાવાયો નિયમ
દુનિયામાં દરેક પ્રકારના લોકો છે.અમીર પણ છે અને ગરીબો પણ છે. કેટલાક પૈસાનો ડોળ કરે છે અને કેટલાક સાદું જીવન જીવે છે.એવા ઘણા લોકો છે જેમની પાસે ખૂબ જ સંપત્તિ છે, પરંતુ તેમને પૈસાનું સહેજ પણ અભિમાન નથી, પરંતુ તેઓ સાદું જીવન જીવે છે.તો લોકો પૈસાનો ડોળ કરીને મોંઘી હોટલ અને રેસ્ટોરન્ટમાં જાય છે, મોંઘા કપડાં પહેરે છે અને મોંઘા વાહનોમાં ફરવાનો ડોળ કરે છે.પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે,ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક રેસ્ટોરન્ટે આવા લોકો માટે ખૂબ જ અનોખો અથવા તો ‘અજીબોગરીબ’ નિયમ બનાવ્યો છે,જે મુજબ મોંઘા અને દેખાતા કપડા, ભારે ઘરેણાં અને શરીર પર ટેટૂ કરાવનારા લોકોને રેસ્ટોરન્ટમાં એન્ટ્રી નહીં મળે.
આ રેસ્ટોરન્ટમાં તમામ લોકોએ સામાન્ય રીતે આવવાનું રહેશે. વ્યક્તિએ સામાન્ય કપડાં અને સામાન્ય ઘરેણાં પહેરવા પડશે અને સૌથી અગત્યનું, રેસ્ટોરન્ટની નજરમાં અહીં આવનારા તમામ લોકો સમાન હશે, કોઈ મોટો કે નાનો નહીં હોય, કોઈ અમીર કે ગરીબ નહીં હોય. અહીં દરેકને સમાન સુવિધા મળશે.
આ રેસ્ટોરન્ટનું નામ Restaurant and club Bedouin છે.અહેવાલ અનુસાર રેસ્ટોરન્ટના સહ-માલિક પોઆટા ઓકેરોઆનું કહેવું છે કે,આ નિયમો સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, જેથી રેસ્ટોરન્ટમાં આવનારા ગ્રાહકો પોતાને કોઈથી ઓછા ન સમજે. ઘણીવાર એવું જોવા મળે છે કે અમીર, સેલિબ્રિટી અને પ્રભાવશાળી લોકોને જોઈને લોકો થોડા નર્વસ થઈ જાય છે, એટલા માટે રેસ્ટોરન્ટે આ નિયમ બનાવ્યો છે કે,અહીં આવતા દરેક વર્ગના લોકોએ આરામદાયક અનુભવ કરવો જોઈએ.
અહેવાલો અનુસાર, આ રેસ્ટોરન્ટમાં સેલિબ્રિટીથી લઈને રાજકારણીઓ સુધીના શહેરના મોટા લોકો અવારનવાર આવે છે.એવામાં રેસ્ટોરન્ટના આ નિયમથી દરેકને આશ્ચર્ય થાય છે.તો, આ મામલે વિસ્તારના કાઉન્સિલર મેરી-લૂ જાર્વિસનું કહેવું છે કે,બિઝનેસ કરનાર લોકો પોતાના નિયમો બનાવી શકે છે, તેમનો અધિકાર છે.