
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 215 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 11 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કપરાડામાં 8.75 અને ધરમપુરમાં 7.75 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 20 તાલુકામાં 5 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે 30 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો.
અમદાવાદમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને બપોરના સમયે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેર અને જિલ્લામાં ગઈકાલનો વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા. દરમિયાન પોરબંદર જિલ્લામાં પોરબંદર 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાણાવાવ 3.5 ઇંચ વરસાદ અને કુતિયાણામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં નવસારીના ખેરગામ 121 મીમી, ગણદેવી 88 મીમી, ચીખલી 151 મીમી, જલાલપોર 74 મીમી, નવસારી 105 મીમી, વાંસદામાં 186 મીમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સૌથી વધુ મેઘમહેર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રમાં સતત અવિરત વરસાદ વરસતાં તમામ જળાશયો અને નદીમાં નવા નીરની આવક જોવા મળી હતો. હજુ પણ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરતા શહેરીજનોને હાશકારો થયો છે. આગામી 11 અને 12 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ બન્ને દિવસોમાં 12 તારીખે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ આપી દેવામાં આવ્યું છે. ગુજરાત 182 મીમી વરસાદ ખાબક્યો છે.