- ડોક્ટર બાઈક પાર્ક કરી રહ્યા હતા ત્યારે કારમાં આવેલા શખસોએ હુમલો કર્યો
- તમામ રેસિડેન્ટ ડોકટરોની સામુહિક હડતાળ પાડવાની પણ ચીમકી
- સેક્ટર-7 પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ગાંધીનગરઃ Gandhinagar Civil Hospital, attack on doctor શહેરની સિવિલ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે ફરજ પરથી પરત ફરી રહેલા એક રેસિડેન્ટ ડોક્ટર પર કોઈ અજાણ્યા શખસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ડોક્ટર બાઈક પાર્ક કરતા હતા ત્યારે કારમાં આવેલા શખસોએ હુમલો કર્યો હતો.આ મામલે ડોક્ટરે સેક્ટર-7 પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં 24 કલાકમાં આરોપીઓ ન પકડાય તો તમામ રેસિડેન્ટ ડોકટરોએ સામુહિક હડતાળ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ચામડી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. કૃણાલ ભટ્ટ ગત રાત્રે આશરે 11:30 વાગ્યાના સુમારે પોતાનું બાઈક પાર્ક કરી રહ્યા હતા. તે સમયે અચાનક એક કારમાં આવેલા શખસોએ ડોકટર કૃણાલ પર હુમલો કર્યો હતો. કારમાંથી ઉતરેલા બેથી ત્રણ અજાણ્યા શખસોએ કોઈપણ કારણ વગર ડોક્ટર સાથે ગાળાગાળી શરૂ કરી હતી. ડોક્ટરે વિરોધ કરતા આ શખસોએ તેમની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ડો. કૃણાલ ભટ્ટે આ અંગે સેક્ટર-7 પોલીસને અરજી આપી જણાવ્યું છે કે, અજાણ્યા હુમલાખોરોએ કોઈપણ વાતચીત વગર સીધો હુમલો કર્યો હતો. આ હુમલા બાદ શખસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે નહીં તો બધા ડોકટરો સામુહિક હડતાળ પાડશે. હાલમાં તો પોલીસે આ મામલે કારના નંબરના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હોસ્પિટલના ડોક્ટરોમાં આ ઘટનાને પગલે રોષ જોવા મળી રહ્યો છે અને સુરક્ષા વધારવાની માંગ ઉઠી રહી છે.

