ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 136 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ડીસામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થયું છે. જેમાં ગીર સોમનાથ સુત્રાપાડામાં પાટણ-વેરાવળમાં 1.89-1.89 ઇંચ, તલાલામાં 1.85 ઇંચ, અમદાવાદના બાવળામાં 1.65 ઇંચ, ધોળકામાં 1.57 ઇંચ, પાટણના રાધનપુરમાં 1.57 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 1.46 ઇંચ, વિસાવદરમાં 1.42 ઇંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 1.34 ઇંચ, કચ્છના ભચાઉમાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે અમદાવાદના સાણંદ, સુરેન્દ્રનગરના સાયલા, ચુડા, ગીર સોમનાથના ઉના, પંચમહાલના મોરવા, ગીર સોમનાથ ગીર ગઢડા, અમરેલીના જાફરાબાદ, ભાવનગરના શિહોર, રાજકોટના જેતપુર સહિતના કુલ 119 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે.

